Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરમાં આજે પહેલી બેઠકઃ છ જીલ્લાના કર્મચારીઓ સામેલ

દિવાળી પહેલા જ કમિટીની પહેલી બેઠક યોજાતાં ઝડપથી પ્રશ્નો ઉકેલાઇ જશે તેવી આશાના વાદળો પોલીસ કર્મચારીઓમાં બંધાયાઃ ગ્રેડ પે, કામના કલાકો, યુનિયન સહિતના પ્રશ્નોની રજૂઆતો રાખવામાં આવશે

 

ગાંધીનગર તા. ૩: ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે, કામના કલાકો નકકી કરવા અને યુનિયન રચવાની મંજુરી આપવા સહિતના પ્રશ્નો સાથે શરૂ થયેલા આંદોલનને પગલે સરકારે કમિટી રચી છે. પ્રશ્નોના નિરાકરણ માટે રચાયેલી આ કમિટીની આજે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે.

રાજયમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજય સરકાર દ્વારા પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી. હવે આ કમિટી દ્વારા આજે ગાંધીનગરમાં એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને એસઆરપીના ૪ જુથના કર્મચારીઓ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સ્થાનિક અને રાજય કક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ સમિતિના સભ્યો તરીકે નિમણૂક પામેલ હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરી, પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ જ તેઓને આજે ત્રીજી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા જણાવાયું હતું.

  દિવાળી પહેલા જ કમિટીએ પોલીસ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી દેતા કર્મચારીઓમાં તેમના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવશે તેવી આશાના વાદળો બંધાયા છે.

(1:10 pm IST)