Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આયુષ કચેરી- ગાંધીનગરમાં ધન્વંતરી પૂજન- હવનઃ આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલની હાજરી

રાજકોટઃ ધનતેરસના શુભ દિવસે છઠ્ઠા ''રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ''ની ''આયુર્વેદ ફોર પોષણ''ની થીમ પર  નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા લ્પ્ત્ખ્લ્ કેમ્પસ, કોલવડા - ગાંધીનગર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ગુજરાત રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ (IAS) તથા નાયબ સચિવશ્રી વિકલ્પ ભારદ્વાજ (IAS)ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ દ્વારા સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કોલવડા ખાતે આયુર્વેદના આદિદેવ શ્રી ભગવાન ધન્વંતરિની જન્મ જયંતી નિમિત્તે ભગવાન ધન્વંતરિનું પૂજન અર્ચન કરી હવનમાં આહૂતિ આપી ત્યાં ઉપસ્થિત તમામ લોકોને આયુર્વેદ અને સ્વાસ્થ્ય અંગે નું ખુબજ પ્રોત્સાહક વકતવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ  તેઓએ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ સંબંધી વિવિધ વાનગીઓના  ''ખાદ્યાન્ન'' મહોત્સવૅમાં ખાસ રસ લઈ તેનું ઉદઘાટન કરી વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ આયુર્વેદની દિવ્ય ઔષધિ એવી ગળોનું ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત નિયામકશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ સંબંધી વિવિધ ચાર્ટનું પ્રદર્શન  મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ ના હસ્તે સામાન્ય જન સમુદાય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. આ ઉપરાંત દરેક રાજ્યનું  પ્રતિનિધિત્વ કરતા દિવ્ય વૃક્ષોનું  મંત્રીશ્રી તથા સર્વે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત માનનીય અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ (IAS) દ્વારા આયુષ ને લગતી સરકારશ્રી દ્વારા અપાતી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગેનું ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્યના આયુષના નિયામકશ્રી વૈદ્ય જયેશ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

(3:07 pm IST)