Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ખનન માફિયાઓ બન્યા બેફામ:મોટા પ્રમાણમાં માટીની ચોરી

રાધનપુર:શહેરમાં ચાલતા નવીન શોપિંગ સેન્ટરના બાંધકામો રહેણાંક મકાનની સોસાયટીઓના બાંધકામોમાં મોટા પ્રમાણમાં માટી-પુરાણ કરવામાં આવેલું છે. માટીપુરાણ માટે રાધનપુર પંથકની આજુબાજુ આવેલ સરકારી પડતર ગૌચર જમીનો ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદી હજારો ટન માટીની ચોરી કરવામાં આવેલી છે. તાજેતરમાં રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ રાપરીયા હનુમાન નજીકની સરકારી પડતર જમીનનું ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પ્રમાણમાં માટી ઉપાડવામાં આવી રહી છે. જ્યારે સતુન રોડ પર આવેલ સરકારી પડતર જમીનમાંથી કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ કરી લાખો રૃપિયાની માટી ઉપાડવામાં આવેલી છે. રાધનપુર પંથકની આજુબાજુની સરકારી અને પડતર ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોય તપાસ થવા બાબતે હંસાબેન સોલંકી દ્વારા જિલ્લા કલેકટર પાટણને તા. ૨૮મી ઓગસ્ટના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા નક્કર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા હાઇવે નજીકની સરકારી જમીન ખનન માફિયા દ્વારા તમામ નીતિ નિયમોને નેવે મૂકી ખોદી નાખવામાં આવેલી છે. મહેસાણા હાઈવેને અડીને આવેલ સરકારી જમીન રાત્રી દરમિયાન મશીનરી દ્વારા ખોદવામાં આવી હોય તેવું રંગોળી સ્થળ પર દેખાઈ આવે છે. હાઈવેને અડીને સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર ખોદકામ બાબતે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે  છે. સરકારી પડતર અને ગૌચર જમીનમાં ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિ સામે જિલ્લા કલેકટર દ્વારા પગલા ભરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

 

(5:55 pm IST)