Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગાંધીનગરમાં કારના સાયલેન્સરની ચોરી બની સક્રિય:50હજારની કિંમતના સામાનની ઉઠાંતરી

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં કારના સાયલેન્સર ચોરાવાની ઘટના અટકી ગઈ હતી ત્યારે ગાંધીનગર શહેરમાં ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહયું છે. ગોકુળપુરામાં મંદિર પાસે પાર્ક થયેલી ઈકો કારમાંથી પ૦ હજારની કિંમતના સાયલેન્સરની ચોરીની ઘટના બનવા પામી છે. શિયાળા દરમ્યાન હવે સક્રિય થયેલી આ ટોળકીને પકડવા માટે પોલીસ હવે સફળ થાય છે કે નહીં તે જોવું રહયું.    

ગાંધીનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થોડા સમય અગાઉ ઈકો કારમાંથી સાયલેન્સર ચોરી જવાની ઘટનાઓ વ્યાપક બની હતી.જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વાહનોમાંથી સાયલેન્સર ચોરી જતી આ ટોળકીને ઝડપી પાડી હતી જેની પુછપરછમાં ગાંધીનગર જિલ્લામાં ચોરીના ગુનાઓ પણ ઉકેલાયા હતા. ત્યારબાદ સાયલેન્સર ચોરીની ઘટનાઓ અટકી ગઈ હતી. જો કે હવે ફરીથી ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહયું છે. શહેરના ગોકુળપુરામાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં ભરતભાઈ દેવશીભાઈ લીલાપરાએ તેમના ઘર નજીક મંદિર પાસે જીજે-૧૮-બીએમ-૦૫૯૭ નંબરની ઈકો કાર પાર્ક કરી હતી. ગઈકાલે સવારના સમયે તેઓને બહાર જવાનું હોવાથી કારને ચાલુ કરતાં અવાજ બદલાયો હતો અને તપાસ કરતાં સાયલેન્સર ચોરાયાનું જણાયું હતું. જે સંદર્ભે આસપાસમાં તપાસ કરવા છતાં પતો લાગ્યો નહોતો. જેથી આ મામલે પ૦ હજારના સાયલેન્સર ચોરીની ફરિયાદ સે-૭ પોલીસમાં આપી હતી. ગાંધીનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓ બની રહી છે જેથી અગાઉ પોલીસે પકડેલી ટોળકી ફરી મેદાનમાં ઉતરી હોય તેમ લાગી રહયું છે. ત્યારે પોલીસના હાથે આ ટોળી કયારે પકડાય છે તે જોવું રહયું. 

(5:55 pm IST)