Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વઢવાણ-વલ્લભીપૂર લુણાવાડા નગરોમાં પીવાના પાણીની યોજનાઓ માટે કુલ ૩પ કરોડ રૂપિયાની યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપતા ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ત્રણ નગરો વઢવાણ, વલ્લભીપૂર અને લુણાવાડાના નાગરિકો માટે દિપાવલી ભેટ રૂપે પીવાના પાણીની વિવિધ યોજનાઓ માટે કુલ ૩૪.૯પ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તેમણે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધોળીધજા ડેમમાંથી પાણીની પાઇપ લાઇન માટે ર૪.૯૯ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
તદઅનુસાર, વઢવાણ નગરમાં ધોળીધજા ડેમથી હવા મહેલ વોટર વર્કસ સુધી ૪૦૦ મી.મીટર ડાયાની ૮૬પ૦ મીટર પાઇપ લાઇનની કામગીરી અને ૩૦ વર્ષ જૂની હયાત પ્રેસર પાઇપ લાઇન બદલવાનું આયોજન કરાયુ છે.
વઢવાણ નગરની આગામી ર૦પ૧ના વર્ષની વસ્તીનો અંદાજ કાઢીને ભવિષ્યની જરૂરિયાત મુજબ નગરપાલિકા દ્વારા ર૪ એમ.એલ.ડી પાણીનો જથ્થો ધોળીધજા ડેમમાંથી મેળવવા નગરપાલિકાએ દરખાસ્ત કરેલી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત વલ્લભીપૂર નગરપાલિકાના પાણી પુરવઠા યોજનાના કામો માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧.૩૪ કરોડના કામો માટે ઇન પ્રિન્સીપલ પરમીશન આપી છે.  
તદઅનુસાર આ રકમ વલ્લભીપૂર નગરપાલિકામાં પ્રવર્તમાન સ્થિતીએ ૩૧.૬ર કિ.મીટરનું ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક છે તેમાં નવી પાઇપ લાઇન તેમજ ૩.૬પ લાખ લિટરની ઓવરહેડ ટાંકી બનાવવાના હેતુસર ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ બે યોજનાઓની સાથે મહિસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાને ‘નલ સે જલ’ યોજના અન્વયે પાણી પુરવઠાના રૂ. ૮.૬ર કરોડના કામો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
લુણાવાડા નગર માટે હાલના પાણીના મુખ્ય સોર્સ પાનમ નદી છે અને ૪ એમ.એલ.ડી પાણી પુરૂં પાડવામાં આવે છે. નગરપાલિકાએ વર્તમાન ભુગર્ભ સમ્પના સ્થાને નવો ભુગર્ભ સમ્પ બનાવવાના તેમજ પાનમ નદી ખાતે ઇન્ટેકવેલ, રાઇઝીંગ મેઇન તથા ખૂટતા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થાના કામોનું આયોજન કરેલું છે.
આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લુણાવાડા નગરપાલિકાને ‘નલ સે જલ’ યોજનામાં રોજીંદુ પાણી પુરૂં પાડવા અંગે આ ૮.૬ર કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્રભાઈ  પટેલે આપી છે

(7:09 pm IST)