Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર : લૂંટના ઇરાદે દંપતીની હત્યા

હત્યા કરાયેલી હાલતમાં સિનિયર સિટીઝનના મૃતદેહ મળ્યા: પૌત્રી દિવાળીની ખરીદી કરવા ગઇ અને લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીની હત્યા કરી

અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર થતાં ચકચાર મચી છે.પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે કરાઇ છે.

અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તારના રન્નાપાર્ક.અને આ એરિયાની પોશ સોસાયટી એટલે પારસમણી ફલેટ. દિવાળીના સમયનો લાભ લઈ પૌત્રી સાથે રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવાતા હડકંપ મચ્યો છે. દયાનંદ અને વિજયાલક્ષ્‍મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લુંટ ઈરાદે આવે છે. અને રાત્રિના અંધકારનો લાભ લઈ દયાનંદ અને વિજયાલક્ષ્‍મીની હત્યા કરી લુંટ કરી છૂમંતર થઈ જાય છે. 

હત્યા કરાયેલી હાલતમાં સિનિયર સિટીઝનના મૃતદેહ મળતા સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડર જોવા મળી રહ્યો છે. મૃતક દયાનંદ ઉંમર 90 વર્ષ અને વિજયાલક્ષ્‍મીની ઉંમર 80 વર્ષ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મર્ડર અને લુંટની ઘટના રેકી કરી થઈ હોવાનું અનુમાન છે. કારણ કે એકલતાનો લાભ લઈ વૃદ્ધ દંપતીનું ઢીમ ઢાળી દેવાયું છે એ પણ સોસાયટીની વચ્ચોવચ આવેલા ફ્લેટમાં. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઑ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેનસિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે માટે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસના લોકોની પોલીસ સધન પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તિજોરી-કબાટમાં લૂંટ કરી જે બાદ દંપતીની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાની ફરિયાદ લઈ આરોપીઑને પકડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

(11:19 pm IST)