Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભાજપની માફક કોંગ્રેસ પણ પેજ પ્રમુખ બનાવશે : વિધાનસભા ચૂંટણી માટે નવી રણનીતિ અપનાવશે

35 હજાર સંયોજકો અને 52 હજાર બુથ પરના જનમિત્ર કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવશે :"મારું બુથ, મારું ગૌરવ", "બુથ જીતીશું, 2022 જીતીશું"ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે

અમદાવાદ : છેલ્લા એક દશકામાં ગુજરાત કોંગ્રેસ યુનિટ ઉત્તરોતર નબળું પડતું જઈ રહ્યું છે. આજના સમયગાળામાં ગુજરાત ભાજપ વધારેમાં વધારે મજબુત બની રહ્યું છે.

વારંવાર હારના પરિણામો બાદ હવે કોંગ્રેસને સમજાયું છે કે જ્યાં સુધી સંગઠન મજબુત નહિ હોય ત્યાં સુધી પરિણામો નહિ મળે. આ બાબતને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસે ભાજપના પેજ પ્રમુખનો મુકાબલો કરવા સંયોજકની રણનીતિ અપનાવી છે. અત્યાર સુધી 40 હજાર સંયોજકોની નિમણુંક પણ કરી દેવાઈ છે. 2022 વિધાનસભા ચૂંટણી માટે સંયોજકોની રણનીતિ શું છે તે જોઈએ..

એક બાદ એક હાર પછી કોંગ્રેસના હારના કારણોમાં મુખ્ય કારણ ગુજરાતમાં બુથ સુધીનું સંગઠનના હોવાનું સામે આવતું આવ્યું છે. કોંગ્રેસના સંગઠનની નબળી કડીને વધારે મજબુત બનાવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે. ગુજરાત કોંગ્રેસે સંગઠનનું વિકેન્દ્રીકરણ કરી પીરામીડ સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. જેમાં તાલુકા-જીલ્લા પંચાયત સીટ દીઠ સંયોજક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મનપા વિસ્તારમાં પોલીંગ બુથને સેક્ટરનો દરજ્જો આપી સેક્ટર દીઠ સંયોજક બનાવવામાં આવ્યા છે. સંયોજકોની નીચે કોંગ્રેસ અગાઉ જ જાહેર કરાયેલ બુથ દીઠ જનમિત્રોને રી-શફલ કરવાની કામગીરી કરાઈ રહી છે. તો ભાજપના પેજ પ્રમુખની જેમ કોંગ્રેસ પેજ પ્રભારી પણ બનાવશે.

કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવા માંગતું હોવાથી જ "મારું બુથ, મારું ગૌરવ", "બુથ જીતીશું, 2022 જીતીશું"ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સંગઠનમાં નવી નિમણૂંક પામેલ સંયોજકોનો કામ કરવાનો વિસ્તાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એમને એ કામ સિવાય બીજા અન્ય કામ કરવાના નહીં રહે. જો કામની વાત કરવામાં આવે તો સંયોજકોએ પક્ષના કાર્યક્રમોને તાલુકા-જિલ્લા કક્ષાએ સારી રીતના આયોજિત કરાવવા, પક્ષની વિચારધારાને બુથ સુધી પહોંચાડવી. આ સિવાય સૌથી મહત્વની ગ્રાસરૂટ લેવલે પોતાના વિસ્તારમાં કામ કરતા કાર્યકર્તાઓની મનદુઃખ કે અન્ય લાગણીઓને પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી રહેશે. હવેથી કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે. જે સંગઠનને જોડી રાખવા કામ કરશે.

કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા છે. જેમને મહત્વ આપવા માટે સંયોજકનું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના જિલ્લા પંચાયતની 1098 બેઠકો પર, તાલુકા પંચાયતની 5220, મનપા વિસ્તારમાં 3431 અને નગરપાલિકાઓમાં નિમણુંકો આપી તેમને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસ રાજ્યના તમામ 52 હજાર બુથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે. સંયોજકો 2021 વર્ષના અંત સુધી તાલીમ સાથે જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂંક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે 2022માં 27 વર્ષના વનવાસને પૂર્ણ કરવા મેદાને ઉતરશે.

(11:21 pm IST)