Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 15માં એન્જિમેક ટ્રેડ-શો 2021નો પ્રારંભ કરાયો

વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત 15માં એન્જિમેક ટ્રેડ-શો 2021નો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર મેટલ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રની નવીનતમ તકનીકો, સંલગ્ન મશીનરીઝની માહિતી મેળવી હતી.

તેમણે ટ્રેડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી. 2022માં જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાવાની છે ત્યારે આ એન્જિમેક ટ્રેડ-શો 2021થી વાઇબ્રન્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય સહભાગીતાની પીઠિકા તૈયાર થઈ છે.

‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને સાકાર કરવા માટે એન્જીમેક ટ્રેડ શો ગુજરાતની લોકલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસને અપડેટ કરવામાં અને ઉત્પાદન પ્રક્રીયાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થશે.

તા. 1 થી 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ટ્રેડ-શોમાં યુ.એસ.એ, તાઇવાન, ઇટલી, સ્પેન, જર્મની, જાપાન, યુ.કે; સિંગાપોર જેવા વિવિધ દેશોમાંથી સહયોગીઓને આમંત્રીત કરાયા છે. ટ્રેડ-શોમાં અગ્રણી ઉદ્યોગના સંચાલકો દ્વારા વિવિધ સેમિનારનું આયોજન પણ કરવામાં આવે છે.

ટ્રેડ-શો ની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીની સાથે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, ટ્રેડ-શો ના આયોજકો અને અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

(9:38 pm IST)