Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

બેંકના ખાનગીકરણના વિરોધમાં સોમવારે ધરણા અને ૧૬મીથી બે દિ' દેશવ્યાપી હડતાલનું એલાન

રાજકોટ,તા.૨: સરકારે બેંક ખાનગીકરણનો ખરડો લાવવાની તૈયારી કરતા તેના વિરોધમાં બેંક કર્મચારી અને અધિકારીઓને તા.૧૬-૧૭ ડિસેમ્બરના રોજ દેશવ્યાપી હડતાલનો નિરધાર કર્યો છે.

સરકારે બજેટમાં બે બેંકો અને વિમા કંપનીઓને ખાનગી કરવાનું નકકી કરેલ છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકાર શિયાળુ સત્રમાં ''બેંકીંગ રેગ્યુલેશન એકટ'' અને બેંકીંગ કંપનીઝ (એકવીસીઝન અને ટ્રાન્સફર ઓફ અન્ડરટેકીંગ એકટ)માં સુધારો કરવા જઈ રહી છે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની યાદીમાં જણાવાયું છે કે સરકારે મોટા ઉદ્યોગગૃહોને ૬માસમાં ૪,૬૮,૦૦૦ કરોડના ૧૨ બાકીદારો પાસેથી વસુલીમાં રાહત આપી ફકત ૧,૬૧,૮૨૦ કરોડ વસુલી અને ૨,૮૪,૯૮૦ કરોડની રાહત આપી છે. આ વસુલી ફકત ૩૬ ટકા છે અને ૬૪ ટકાની બેંકોએ ખોટ સ્વીકારેલ છે.

સરકાર બે બેંકોને ઉદ્યોગપતિઓને હવાલે કરવા જઈ રહી છે. આ તો ચોરને ચોકીદાર બનાવવા જેવી વાત છે.

ખાનગીકરણથી જાહેર જનતાને પણ ભોગવવું પડશે. બેંકોના ચાર્જીસમાં વધારો થશે, ગરીબો અને નાના વર્ગને ખાનગી બેંકો ધિરાણ નહી આપે, સરકારની કોઈપણ યોજનાનો લાભ ખાનગી બેંકો જાહેર જનતાને નહી આપે.

આજે લગભગ દર વર્ષ એક લાખ કર્મચારીઓની રાષ્ટ્રીકૃત બેંકો ભરતી કરે છે તે ભરતી નહિવત થશે, મર્જરને કારણે કર્મચારીઓની ભરતીમાં ઓટ આવેલ છે. અનામત પ્રથા મારફત નોકરી મેળવનાર વર્ગને અનામત પ્રથાનો લાભ નહી મળે.

કર્મચારીઓ સરકારની ખાનગીકરણની નીતિ સામે ૧૯૯૧ થી લડી રહ્યાં છે અને  અત્યાર સુધીમાં ૪૦ હડતાલ આપેલ છે.

લડતની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં તા.૭ ડિસે.ના સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં બેંક કર્મચારીઓ ધરણાં યોજશે. અન્ય શહેરમાં બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો યોજવામાં આવશે.

તા.૧૬- ૧૭ ડિસે.ના ગુજરાતના ૨૫૦૦૦ કર્મચારી- અધિકારીઓ અને દેશના ૮ લાખ કર્મચારીઓ/ અધિકારીઓ હડતાલમાં સામેલ થશે. સરકાર ખાનગીકરણની નીતિમાં આગળ વધશે તો સતત લડત ચાલુ રહેશે. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.સંતાકણીની યાદીમાં જણાવાયું છે.

(2:45 pm IST)