Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વડોદરાના અમિતનગર સર્કલ નજીક પુરપાટ ઝડપે જતી રિક્ષાએ બાઇકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

 

વડોદરા: અમિતનગર સર્કલ પાસે સવારના સુમારે પૂરપાટ જતી એક રિક્ષાએ નોકરી પર જતા સ્કૂટર ચાલક યુવાનને ટક્કર મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ન્યુ વીઆઇપીરોડ પર શિલ્પવિલા ડુપ્લેક્સ ખાતે રહેતા દિલીપ જયસિંહ બારીયા(ઉ.વ.૩૭) મંજુસર ખાતે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ગઇકાલે સવારે તેઓ ઘેરથી નીકળી નોકરી પર જવા માટે એક્ટિવા લઇને અમિતનગર સર્કલ પાસેથી પસાર થતા  હતા ત્યારે એક રિક્ષાએ અચાનક ટર્ન મારી એક્ટિવાને અથાડતા લોકો ભેગા થઇ ગયા હતા અને દિલીપ બારીયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં આજે મોત નિપજ્યું હતું. આ અંગે  હરણી પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના અન્ય બનાવમાં છાણીરોડ પર આવેલી બાલાજી એક્ઝોટિકા ખાતે રહેતા જગદીશ કાનજીભાઇ પટેલ(ઉ.વ.૪૦) રેતી-કપચીનું ટ્રેડિંગનું કામ કરે છે. ગઇકાલે સવારે તેઓ બાઇક લઇને ઘેરથી નીકળ્યા હતાં. બપોરે તેમની પત્ની ભાવનાબેને પુત્ર દ્વારા ઘેર આવવા માટે જગદીશ પટેલને ફોન કરતા એમ્બ્યુલન્સના માણસે ફોન ઉપાડયો હતો અને કોયલી-શેરખી રોડ પર આ ભાઇનો અન્ય બાઇક સાથે અકસ્માત થયો છે તેને ગોત્રી હોસ્પિટલ લઇ ગયા છે તેમ જણાવતા ભાવનાબેન અન્ય સંબંધીઓ સાથે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પતિનું મોત નિપજ્યું  હોવાનું તબીબોએ જાહેર કર્યું  હતું. આ બનાવ અંગે જવાહરનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)