Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સીમા સુરક્ષા બળના જવાનોના સાહસ, શૌર્ય અને વીરતા દેશની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત........

સીમા સુરક્ષા બળના ૫૭મા સ્થાપના દિને બીએસએફ-ગુજરાતના મુખ્યાલય પહોંચી શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત સીમા સુરક્ષા બળના ફ્રન્ટિયર હેડક્વાર્ટરની મુલાકાત લઈ સીમા સુરક્ષા બળના ૫૭મા સ્થાપના દિને જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, સીમા સુરક્ષા બળના જવાનોના સાહસ, શૌર્ય અને વીરતા દેશની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.

રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, ભારત દેશની સરહદોની સુરક્ષા માટે અહર્નિશ સેવારત સીમા સુરક્ષા બળના જવાનોના સાહસ અને શૌર્યને કારણે દેશની સરહદો સુરક્ષિત છે. તેમણે જણાવ્યુ હતુ કે, આવશ્યકતા ઉભી થાય ત્યારે બીએસએફના જવાનો દેશની આંતરિક સુરક્ષા, સલામતી અને શાંતિ માટે હંમેશાં તત્પર રહે છે.
રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ ઉપર પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો ત્યારે સીમા સુરક્ષા બળની આવશ્યકતા સમજાઈ હતી અને ૧, ડિસેમ્બર ૧૯૬૫ના રોજ સીમા સુરક્ષા બળની સ્થાપના કરવામાં આવી હતી. રાજ્યપાલએ સીમા સુરક્ષા બળના જવાનોએ ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં દાખવેલા અપ્રતિમ શૌર્યને યાદ કરી દેશની સરહદોની રક્ષા માટે જાન ન્યૌચ્છાવર કરનારા શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સીમા સુરક્ષા બળ, ગુજરાતના મહાનિરીક્ષક જ્ઞાનેંદ્રસિંહ મલિકે બીએસએફના ૫૭મા સ્થાપના દિવસે શુભકામનાઓ પાઠવી ગુજરાત ફ્રન્ટિયરની શૌર્યગાથા વર્ણવી હતી. તેમણે ગુજરાતના સરહદી વિસ્તાર નડા બેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે,આ પ્રોજેક્ટથી બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન મળશે.
સીમા સુરક્ષા બળ, ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયેલા બીએસએફના ૫૭મા સ્થાપના દિવસ સમારોહ પ્રસંગે બેસ્ટ ટર્ન આઉટ કોમ્પિટિશન તેમજ બેસ્ટ બેરેક કોમ્પિટિશનમાં પ્રથમ ત્રણ વિજેતાને રાજ્યપાલશ્રીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બીએસએફ મુખ્યાલય સંકુલમાં વાંચનાલય, બુદ્ધ હર્બલ ગાર્ડન સહિત વિવિધ સ્થળોની રાજ્યપાલએ મુલાકાત લઈ પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી,  બીએસએફ વાઇવ્ઝ વેલફેર એસોસીએશનના અધ્યક્ષા શ્રીમતી સવિતા મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે આભાર દર્શન ઉપમહાનિદેશક  ઈપ્પન પી. વી. એ કર્યું હતું.  

(10:24 pm IST)