Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજપીપળા કોર્ટમાંથી પોસ્કો કેસમાં 10 વર્ષની સજાનો હુકમ થતાં જ આરોપી બાથરૂમમાંથી નાશી છૂટતા ચકચાર

આતિશકુમાર શાંતિલાલ તડવીને ગુરુવારે કોર્ટમાં હાજર કર્યા બાદ સેસન્સ જજે તેને દસ વર્ષની સજા ફટકારી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટમાં ગુરુવારે પોસ્કો કેસમાં સજા પામેલો આરોપી બાથરૂમ જવાના બહાને નાશી જતા પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આતિશકુમાર શાંતિલાલ તડવી (ઉ.વ .21 ) ( મૂળ રહે.કોયારી,તા. તિલકવાડા)એ ભોગબનનાર દીકરી સગીરવય હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કર્યો હતો તે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદ થયા બાદ તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવાએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા નામદાર એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકીની કોર્ટમાં ગુરુવારે પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટની કલમ મુજબ તેને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000 દંડનો હુકમ કરતાંજ કોર્ટની અન્ય વધુ કાર્યવાહી થતી હતી તે દરમિયાન આતિશકુમાર શાંતિલાલ તડવી ત્યાં હાજર પોલીસને બાથરૂમ જવાનું જણાવી કોર્ટના બાથરૂમ માંથી નાશી જતા પોલીસ દોડતી થઈ હતી હાલમાં પોલીસ કાફલો તેને શોધવા કામે લાગ્યો છે.

(11:46 pm IST)