Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પ્રથમ તબક્કાનાં મતદાનથી ભાજપની છાવણી ખુશખુશાલઃ કોંગ્રેસ ચિંતિતઃ ‘આપ‘ ગોટે ચડી

ભાજપના ગઢમાં બમ્‍પર વોટિંગઃ જયાં કોંગ્રેસ જીતી હતી ત્‍યાં ઓછુ વોટીંગ

નવી દિલ્‍હી, તા.૨: ગુજરાતમાં ગુરૂવારે પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ ૭૩ ટકા લોકોએ નર્મદા જિલ્લામાં જ્‍યારે ૫૩ ટકા લોકોએ પોરબંદરમાં મતદાન કર્યું હતું. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માત્ર ૫૮ ટકા મતદાન થયું હતું. સૌરાષ્‍ટ્ર એ જ પ્રદેશ છે, જેણે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્‍તબ્‍ધ કરી દીધા હતા. આ ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

જ્‍યારે દક્ષિણ ગુજરાતમાં ૬૬ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહીંના ૧૨ જિલ્લામાંથી એકલા મોરબીમાં ૬૭.૬૦ ટકા મતદાન થયું હતું. પાટીદાર પ્રભુત્‍વ ધરાવતા વિસ્‍તારોમાં ઓછા મતદાને પક્ષોને વિચારવા મજબૂર કરી દીધા છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ અહીં ખૂબ જ મહેનત કરી હતી. તેમની છાવણીમાં અનેક પાટીદાર સ્‍થાનિક નેતાઓ સામેલ હતા.

જ્‍યાં કોંગ્રેસની જીત થઈ હતી ત્‍યાં ઓછા મતો પડયા

આ વખતે મતદારોનો ઉત્‍સાહ ઓછો હતો. આ જ કારણ છે કે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જ્‍યાં ૬૮ ટકાથી વધુ મતદાન થયું હતું, આ વખતે માત્ર ૬૦.૨૦ ટકા જ મતદાન નોંધાયું છે. નિષ્‍ણાતોના મતે, આમાં વધારો થવાની સંભાવના છે, પરંતુ તે ૬૮ ટકાને પાર કરશે, તેની શકયતા ઓછી દેખાઈ રહી છે. કોંગ્રેસ માટે આ તબક્કો વધુ મહત્‍વનો છે કારણ કે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ પ્રદેશમાંથી જ સૌથી વધુ બેઠકો જીતી હતી. આ સમયગાળા દરમિયાન, મોટાભાગની બેઠકો જ્‍યાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું હતું, તે કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

પાંચ જિલ્લામાં ૬૦ ટકાથી વધુ મતદાન

સૌરાષ્‍ટ્રમાં સાંજના ૫ વાગ્‍યા સુધીમાં ભાવનગરમાં સૌથી ઓછું ૫૧.૩૪ ટકા મતદાન નોંધાયું હતું. નર્મદા ઉપરાંત નવસારી (૬૫.૯૧ ટકા), ડાંગ (૬૪.૮૪ ટકા), વલસાડ (૬૨.૪૬ ટકા) અને ગીર સોમનાથ (૬૦.૪૬ ટકા) સહિત અન્‍ય ચાર જિલ્લાઓમાં ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. થોડી ફરિયાદો નોંધવામાં આવી છે ચૂંટણી પંચે જણાવ્‍યું હતું કે હરીફ જૂથો વચ્‍ચે અથડામણની કેટલીક ઘટનાઓને બાદ કરતાં મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું. નવસારી જિલ્લાના વાસંદા ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્‍ચે અથડામણ થઈ હતી. જેમાં વાસંદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને ઈજા થઈ હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં મહિલા મતદારો મતદાન મથક પર તેમના માટે અલગ બૂથ ન હોવાનો વિરોધ નોંધાયો હતો.

૧૦૦ વર્ષીય કમુબેન નેદાલાએ મત આપ્‍યા

૧૦૦ વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે મતદાન મથક પર પોતાનો મત આપ્‍યો. બીજી તરફ ચોર્યાસી વિધાનસભાના સચીનમાં રહેતા ૧૦૪ વર્ષીય ગંગાબેન તેમની વિધાનસભાના સૌથી વળદ્ધ મતદારો પૈકીના એક છે, જેમણે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે ૮૦ થી ૧૦૦ વર્ષના મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. રસ ધરાવતા વયોવળદ્ધ મતદારોને મતદાન મથકે લાવવામાં આવ્‍યા હતા અને મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મોકલવામાં આવ્‍યા હતા. ૩૩ બેલેટ યુનિટ બદલાયા રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી (CEO) એ જણાવ્‍યું કે પ્રથમ વખત વિવિધ કેન્‍દ્રો પર ૩૩ (૦.૧%) બેલેટ યુનિટ, ૨૯ (૦.૧%) કંટ્રોલ યુનિટ અને ૬૯ વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનો બદલવામાં આવ્‍યા હતા. મતદાનના ત્રણ કલાક.) બદલવામાં આવ્‍યા હતો. તેમણે કહ્યું કે તમામ જિલ્લાઓમાં રિઝર્વ મશીન સેટ ઉપલબ્‍ધ છે.

(10:22 am IST)