Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સુરતઃ પાટીદાર વિસ્‍તારોમાં અપેક્ષા કરતાં ઓછા મતદાનથી તર્ક-વિતર્ક

એક જ પરિવારના મતો ભાજપ અને આપ વચ્‍ચે વહેંચાયા હોવાનું અનુમાન : સુરત શહેરની સૌરાષ્‍ટ્રવાસી બેઠકો પર પાટીદાર યુવાનો અને મહિલાઓમાં આપનો અન્‍ડર કરંટ દેખાયો

નવી દિલ્‍હી,તા. ૨ : સુરતના પાટીદાર વિસ્‍તારોમાં અપેક્ષા કરતાં ઓછા મતદાનથી રાજકીય પંડિતો અચંબામાં છે. છેલ્લા પંદર દિવસથી પાટીદાર વિસ્‍તારોની બેઠકો પર જબરજસ્‍ત ચહલપહલ જોવા મળી હતી. તમામ પક્ષોએ પાટીદાર વિસ્‍તારની બેઠકો પર જ ધ્‍યાન કેન્‍દ્રીત કરી ચૂટણી અભિયાન હાથ ધર્યું હતું. પંદર દિવસોના આક્રમક ચૂંટણી પ્રચાર બાદ કરતારગામ સિવાય પાટીદાર વિસ્‍તારોની બેઠકો પર અપેક્ષા કરતાં ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ઉચાટનો માહોલ છે.

સુરતની બાર બેઠકો પૈકી છ બેઠકો પર પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. કતારગામ, કરંજ, વરાછા, કામરેજ, ઓલપાડ અને સુરત ઉત્તર બેઠક પર ધાર્યા મુજબનું મતદાન નોંધાયું નહીં હોવાનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ઓલપાડમાં ૬૪ ટકા જ્‍યારે અને કામરેજ બેઠક પર સરેરાશ ૬૦ ટકા મતદાન નોંધાયું છે. પરંતુ આ બંને વિધાનસભા મતવિસ્‍તારમાં શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં સમાવેશ થતો હોવાથી શહેરી વિસ્‍તાર કરતા ગામડાઓમાં મતદાનું પ્રમાણ વધારે હોવાનું બહાર આવ્‍યું છે. વરાછા, કરંજ, કામરેજ સહિતની સુરતની સૌથી ચર્ચાસ્‍પદ અને કાંટે કી ટક્કરવાળી બેઠકો પર ઓછા મતદાનને કારણે કોને ફાયદો કોને નુકસાન તેના સમીકરણો મંડાઇ રહ્યા છે.

પાટીદાર વિસ્‍તારોમાં યુવાવર્ગ અને મહિલાઓમાં આમ આદમી પાર્ટીનો અન્‍ડર કરંટ દેખાયો છે. પાટીદાર વર્ગના યુવાનોએ મોટી સંખ્‍યામાં આપને મત આપ્‍યા હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જ્‍યારે મહિલાઓના મતો આપ અને ભાજપમાં વહેંચાયા હોવાનું અનુમાન છે. વડીલોએ ભાજપને મત આપ્‍યા હોવાનું અંદાજવામાં આવે છે. એક જ પરિવારના યુવાન મતદાર. મહિલા મતદાર અને વડીલ મતદારોએ અલગ અલગ પક્ષને મત આપ્‍યો હોય તેવું ચિત્ર પાટીદાર વિસ્‍તારમાં ઉપસી રહ્યું છે. પાટીદાર વિસ્‍તારમાં પહેલી વખત કોંગ્રેસ ચિત્રમાં નથી.

પાટીદારો સમાજમાં ઓછું મતદાન ભાજપને ફળે તેવું ગણિત

પાટીદાર વિસ્‍તારોની બેઠકો પર ઓછું મતદાન કયાં નોંધાયુ છે તેનું પોસ્‍ટમોર્ટમ શરૂ થઇ ગયું છે. કતારગામ વિધાનસભા મતવિસ્‍તારમાં સવા લાખ પાટીદાર મતદારોને બાદ કરતા પોણા બે લાખ કરતાં વધારે નોન પાટીદાર મતદારો વસે છે. કતારગામ અને કરંજ બેઠક પર પાટીદાર વિસ્‍તારોમાં ઓછું મતદાન થયું હોય તો તે ભાજપને ફળે તેવા સમીકરણો મુકાઇ રહ્યા છે. એ જ પ્રમાણે કરંજ બેઠક પર ૭૫ હજારથી વધુ તથા વરાછા બેઠક પર ૬૫ હજારથી વધુ નોન પાટીદાર મતદારો છે. નોન પાટીદાર વિસ્‍તારોમાં ઓછું મતદાન નોંધાયું હોય તો ભાજપને નુકસાન થાય તેવી ગણતરી મુકાઇ રહી છે.

લિંબાયત, સુરત પૂર્વ, ઓલપાડ સિવાય કોંગ્રેસ મેદાન બહાર

મતદાનના દિવસે સુરતની બાર પૈકી દસ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું મિસમેનેજમેન્‍ટ ચચર્ાાનો વિષય રહ્યું હતું. સુરત પુર્વ અને ઓલપાડ વિધાનસભા બેઠકને બાદ કરતા અન્‍ય બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારો દેખાયા નહોતા. સુરત ઉત્તર, વરાછા, કતારગામ, મજુરા સહિતની બેઠકો પર કોંગ્રેસના ટેબલો શોધ્‍યે મળ્‍યા નહોતા. લિંબાયત વિધાનસભા મતવિસ્‍તારમાં કોંગ્રેસના કાર્યકરો અને ટેબલો દેખાયા હતા. પરંતુ કોંગ્રેસના પરંપરાગત મતદારોને મતદાનમથક સુધી લઇ જવામાં સફળતા મળી નહોતી. સુરત પૂર્વ અને ઓલાપડ બેઠક પર કોંગ્રેસની હાજરી વર્તાઇ હતી. મતદાનના દિવસે કોંગ્રેસે સંખ્‍યાબંધ બેઠકો પર શરણાગતિ સ્‍વકારી હોય તેવો માહોલ જોવા મળ્‍યો હતો.

(10:37 am IST)