Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઓબીસી ઠાકોર સમાજમાંથી મુખ્‍યમંત્રી અને એસસી-એસટી અને અલ્‍પસંખ્‍યક સમુદાયમાંથી ૩ નાયબ મુખ્‍યમંત્રી બનાવાશે

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રભારી અશોક ગહેલોતની બેઠકમાં નિર્ણય

ગાંધીનગર,તા. ૨: ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્‍બરે યોજાવાનું છે. આ પહેલા ગુજરાત કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસે કહ્યુ કે રાજયમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ઠાકોર સમાજમાંથી મુખ્‍યમંત્રી બનાવાશે જયારે SC,ST અને અલ્‍પસંખ્‍યક સમુદાયમાંથી ૩ નાયબ મુખ્‍યમંત્રી બનાવાશે. કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

૮૦ના દાયકામાં માધવસિંહ સોલંકી (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્‍લિમો) ખામ થિયરીને એક સ્‍ટેજ પર લાવ્‍યા હતા. KHAMસમીકરણમાં K (ક્ષત્રિય-ઠાકોર), H (હરિજન, શિડ્‍યુલ્‍ડ કાસ્‍ટ), A (આદિવાસી,શિડ્‍યૂલ્‍ડ ટ્રાઇબ્‍સ), તથા M (મુસ્‍લિમ) સાથે રાખીને ચૂંટણી જીતવાના સમીકરણ ગોઠવવામાં આવ્‍યા હતા. ખામ થિયરીને કારણે કોંગ્રેસ પાર્ટીને ૧૮૨માંથી૧૪૯ બેઠક મળી હતી. ગુજરાતમાં ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે. કોંગ્રેસ રાજયમાં સરકાર બનાવવા માટે મહેનત કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર ૬૩.૧૪ ટકા મતદાન થયુ છે. ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે જયારે ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્‍બરે જાહેર કરવામાં આવશે.

(4:46 pm IST)