Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ઇવીએમ લઇને પરત ફરેલી સરકારી અધિકરીઓ-કર્મચારીઓની ટીમનું જોરદાર તાળીઓથી સ્‍વાગત કરાયુ

સતત ખડેપગે રહીને ફરજ બજાવેલ પોલીસ ટીમનો જુસ્‍સો વધારાયો

અમદાવાદઃ ગઇકાલે મતદાન બાદ ઇવીએમ પરત લઇને આવેલી ટીમનું તાળીઓના ગડગડાટથી સ્‍વાગત કરાયુ હતુ.

ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર કેટલાક કર્મચારીઓ આખો દિવસ મતદાતાઓ માટે ખડેપગે જોવા મળતા હોય છે. દૂર-દૂરના ગામોમાં તેમને મથક આપતા હોવાથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ મોડી રાત્રે ઈવીએમ લઈને રીસીવિંગ સેન્ટર પહોંચતા હોય છે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓનો જુસ્સો વધારવા માટે ભાવનગરમાં કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર પર અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર,વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ભાવનગર જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચૂંટણીની કામગીરીમાં કર્મચારીઓ રોકાયા હતા. જે રાત્રે ઈવીએમ લઈને રીસીવિંગ સેન્ટર પહોંચતા તેમનો જુસ્સો વધારવા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કર્મચારીઓ ઈવીએમ લઈને ચૂંટણી પૂરી થયા બાદ દૂર દરાજના ગામોમાંથી રીસીવિંગ સેન્ટર ખાતે મોડી રાત્રીના પહોંચતા હતા. જેથી તેમની આ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત તાલીઓના નાદ સાથે કરીને આવકાર્યા હતા. જેનો એક સુંદર વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક બાદ એક ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ ઈવીએમ લઈને રીસીવિંગ સેન્ટરમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે રીસીવિંગ સેન્ટર પર હાજર કર્મચારીઓ ઈવીએમ લઈને આવતા કર્મચારીઓને આવકારી તાળીઓના નાદ સાથે ઉભા થઈને તેમનું સ્વાગત કરી રહ્યા છે. આ જોતા ઈવીએમ લઈને આવતા કર્મચારીઓના મુખ પર ખુશીની લાગણી જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેથી હજારો કર્મચારીઓને મતદાન મથક પર પોસ્ટીંગ કરવામાં આવે છે. આ તમામ કર્મચારીઓ ગઈકાલે મતદાતોઓને પડતી તમામ મુશ્કેલીઓનું નિવારણ લાવવા ખૂબ મદદ થતા જોવા મળ્યા હતા. ત્યારે આખો દિવસ અને મોડી રાત સુધી પોતાની ફરજ બજાવતા કર્મચારીઓનું ભાવનગરમાં તાળીઓના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

(4:49 pm IST)