Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મત આપો એટલે સીધા જ ઋષિકેશ પટેલ મંત્રી બની જશેઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જાહેરમાં કહ્યુ

બીજા તબક્કાની ચૂંટણી માટે વિસનગરમાં સભા યોજાઇ

વિસનગરઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની વિસનગરમાં સભા યોજાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલને ફરીથી મંત્રી બનાવવાની વાત કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાની બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હવે બીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. જેને લઈ ગઈકાલે અમિતશાહ વિસનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ત્રણ ટર્મથી વિસનગર વિધાનસભા બેઠક પર જીતતા ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસનગરમાં જી.ડી.હાઇસ્કુલ સામે સભાને સંબોધી હતી. અને લોકોને આડકતરી રીતે ઋષિકેશ પટેલને ફરીથી મંત્રી બનાવવા આહ્વાન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિસનગરમાં ઋષિકેશ પટેલના સમર્થનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સભા યોજાઇ હતી. અમિતશાહની સભામાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સભામાં વિસનગર ભારતીય જનતા પાર્ટી સહિત વિસનગરના ભાજપના કાર્યકરો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને મત આપવા માટેની પણ અપીલ કરી હતી.

 અમિત શાહે સભા સંબોધતા કહે છે કે,મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર ચાલે છે. ભાજપની સરકાર અહીં ચાલે છે. ભુપેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ફરીવાર બનવાની છે. તમે ઋષિભાઈને ચૂંટીને મોકલો એટલે ડબલ એન્જિનની સરકાર ત્રીપલ એન્જિનની સરકાર બની જશે. પણ વિસનગરવાળા એકવાર મહેનત કરી બે કામ થતા હોય તો કરવા જોઈએ કે ન કરવા જોઈએ? બીજી જગ્યાએ મત આપશો તો ધારાસભ્ય મળશે. અને અહીંયા મત આપશો તો તૈયાર મંત્રી મળી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા તબક્કાના મતદાન બાદ હવે ઉમેદવારો બીજા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પસાર કરી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ દેશના વડાપ્રધાન પણ મતદારોને રીઝવવા સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આ વખતના ખરાખરીના ખેલમાં બાજી કોણ મારી જશે. અને કેટલી સીટો પોતાના નામે કરશે.

(4:51 pm IST)