Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

2012 અને 2017માં ભાજપ માટે કોંગ્રેસ ભારે પડયા બાદ ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો

વિપક્ષ દળ આ વિસ્‍તારમાં બેઠકો જાળવવા પ્રયત્‍નશીલ

પાલનપુરઃ વિધાસભા ચૂંટણીના બીજા તબક્કામાં હવે ઉત્તર ગુજરાતની બેઠકો તરફ સૌની નજર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયુ છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતની 93 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ કરતા સારૂ પ્રદર્શન કર્યુ છે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની 32 બેઠક આવે છે. વિપક્ષી દળ આ વિસ્તારમાં 2022માં પણ આ બેઠક જાળવી રાખવા માંગશે.

2012 અને 2017માં ભાજપ પર કોંગ્રેસ ભારે પડ્યુ હતુ

રાજકીય જાણકારોએ કહ્યુ કે ડેરી સહકારી નેતા અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપે કેટલાક વિસ્તારમાં બળવાનો સામનો કરવો પડી રહ્યો છે, તેમણે કહ્યુ કે અન્ય પછાત વર્ગ (OBC), ચૌધરી સમાજ વચ્ચે નારાજગીનો અંદેશો છે, તેમણે કહ્યુ કે સાથે જ સ્થાનિક જાતિ સમીકરણ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના અંતિમ પરિણામમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. વિસ્તારના 6 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં ફેલાયેલી 32 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસે 2012 અને 2017 બન્ને ચૂંટણીમાં 17 બેઠક પર જીત મેળવી હતી.

ભાજપે 2012માં 15 અને 2017માં 14 બેઠક જીતી હતી

બીજી તરફ ભાજપ 2012માં 15 અને 2017માં 14 વિધાનસભા બેઠક જીત્યુ હતુ. ગત ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવાગ જિગ્નેશ મેવાણીના ખાતામાં ગઇ હતી, જેમણે કોંગ્રેસનું સમર્થન હતુ. આ બેઠક વડગામની સુરક્ષીત બેઠક હતી. વિપક્ષી દળે આ વિસ્તારમાં પોતાના મોટાભાગના વર્તમાન ધારાસભ્યો પર વિશ્વાસ બતાવ્યો છે અને તેમાંથી 11ને ફરી ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે પોતાના 14 વર્તમાન ધારાસભ્યમાંથી માત્ર 6ને જ ટિકિટ આપી છે અને બાકી વિધાનસભા વિસ્તારમાં નવા ઉમેદવારોને તક આપી છે.

ઉત્તર ગુજરાતમાં AAPની વધારે અસર નથી

ભાજપ-કોંગ્રેસે સ્થાનિક જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખતા પાટીદાર અને કોળી સમાજના ઉમેદવારોને મેદાનામં ઉતાર્યા છે. જાણકારોનું માનવુ છે કે આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાતમાં વધુ પ્રભાવ નાખવાની સંભાવના નથી, તેમનું માનવુ છે કે આ વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે.

વિપુલ ચૌધરીની ધરપકડ ભાજપને ભારે પડશે

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે કહ્યુ, ‘ભાજપે 2002ની ચૂંટણીમાં મધ્ય અને ગુજરાતના વિસ્તારમાં લીડ મેળવી હતી. જોકે, 2012 સુધી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં પોતાની ગુમાવેલી જમીનમાંથી પરત મેળવવા અને 5 વર્ષ પછી આ વિસ્તારમાં પોતાની પકડ બનાવી રાખવામાં સફળ રહ્યુ હતુ. વિશ્લેષકો અને સામાજિક સમૂહના સભ્ય અનુસાર, 800 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં સહકારી નેતા વિપુલ ચૌધરીની ધરપકડે તેમના સમાજના લોકોને નારાજ કરી દીધા છે.

અર્બુદા સેનાના લોકો પોતાની પસંદગીથી મત આપશે

બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગમાં મતદારોનો એક મહત્વપૂર્ણ ભાગ ચૌધરી સમાજનો છે. દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ ચૌધરી પર સહકારી સંસ્થાના અધ્યક્ષ રહેતા ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. પૂર્વ મંત્રીના ચૂંટણી પહેલા AAPમાં સામેલ થવાની અટકળો હતી પરંતુ એવુ બની ના શક્યુ. દૂધસાગર ડેરીના પૂર્વ ઉપાધ્યક્ષ અને અર્બુદા સેના સાથે જોડાયેલા મોગાજી ચૌધરીએ કહ્યુ કે સામાજિક ગ્રૂપના સભ્ય પોતાની પસંદગી અનુસાર મતદાન કરશે તેમણે કોઇ આદેશ આપવામાં આવ્યા નથી.

ઉત્તર ગુજરાતમાં આ બેઠકો પર રહેશે નજર

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે ભાજપે આ બેઠક પર મણિભાઇ વાઘેલાને ટિકિટ આપી છે. મણિભાઇ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે. થરાદ બેઠક પર ભાજપે શંકર ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને રિપિટ કર્યા છે. પાટણની સિદ્ધપુર બેઠક પર ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને રિપિટ કર્યા છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને જીતાડવા માટે અપીલ કરી હતી.

(5:19 pm IST)