Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

‘ઓ નરેન્દ્રભાઈ.. ઓ નરેન્દ્રભાઈ..’ કહો કે ના કહો?: પીએમ મોદીના મોઢેથી નીકળેલ શબ્દો સોશ્યલ મીડિયામાં વાયરલ

 કાંકરેજની સભામાં પીએમ મોદીએ કહ્યું - તમારા મોઢામાંથી ક્યારેય એવુ નથી નીકળતુ કે ‘એ પીએમ સાહેબ, પીએમ સાહેબ’ કોઈ દહાડો ના નીકળે. ‘એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ...

અમદાવાદ :  ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે એક જ દિવસમાં તેઓએ 4 શહેરોમાં સભા ગજવી હતી. બીજા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે હાલ ગુજરાતમાં મોદી મોદીના નારા ગુંજી રહ્યાં છે. ત્યારે આજે સૌથી પહેલા જનસભા તેઓએ બનાસકાંઠાના કાંકરેજમાં સંબોધી હતી. જેમાં તેઓએ સ્ટેજ પરથી કહેલી એક વાતને સોશિયલ મીડિયામાં લોકો પસંદ કરી રહ્યાં છે. તેમનો મીઠો લહેંકો ગુજરાતની ચૂંટણી પ્રચારમાં છવાયો છે.

  કાંકરેજની સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે હું બનાસકાંઠાની ધરતી પર આવ્યો છું, હું કંઈ પહેલીવાર નથી આવ્યો. મારો કોઈ એવો ઈલાકો બાકી નથી, જેમાં મેં આંટો માર્યો ન હોય. પહેલા કોઈ એવો પ્રધાનમંત્રી હોય તો કહો જેને કાંકરેજ નામ ખબર હોય. તો આજે તો તમારો ઘરનો માણસ બેઠો છે. તમે મને ક્યાંક જોઈ જાઓ તો બૂમ પાડો ને ‘ઓ નરેન્દ્રભાઈ... ઓ નરેન્દ્રભાઈ....’ કહો કે ના કહો, તમારા મોઢામાંથી ક્યારેય એવુ નથી નીકળતુ કે ‘એ પીએમ સાહેબ, પીએમ સાહેબ’ કોઈ દહાડો ના નીકળે. ‘એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ...’ કારણ કે, તમારી વચ્ચે મોટો થયો છું. 

  પંચમહાલમાં ગુરુવારે પીએમ મોદીની કાલોલમાં સભા બાદનો વીડિયો વાયરલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્રધાનમંત્રી હેલિપેડ પર જતા સમયે જનમેદની નજીક પહોંચી ગયા હતા. તેઓએ મોદી-મોદીના નારા લગાવતી જનમેદનીનું અભિવાદન ઝીલ્યુ હતું. વિશાળ જનમેદની જોઈને પ્રધાનમંત્રી મોદી અભિભૂત થયા હતા. ગુરુવારે કાલોલના બેઢિયામાં પ્રચાર સભા યોજાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રીએ જનસભા ગજવ્યા પછી હેલિપેડ પર પાછા જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રધાનમંત્રી હેલિપેડ નજીક બનાવવામાં આવેલી રેલિંગ સુધી પોતાની ગાડીમાં પહોંચ્યા હતા અને તમામ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રીએ જનસભામાં હાલોલ અને કાલોલને પોતાની કર્મભૂમિ ગણાવી હતી

(7:08 pm IST)