Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમુલે ૩ રૂપિયા વધાર્યાઃ ગુજરાતમાં લાગુ નહીં: ફુટયો મોંઘવારીનો બોંબ

બજેટ બાદ પ્રજાને મોંઘવારીનો ધગધગતો ડામ લાગ્‍યો : દુધના ભાવમાં લીટરે ત્રણ રૂપિયા વધતા ભારે દેકારો : નવા ભાવો આજથી જ અમલી : અમુલ તાજાનું પાઉચ હવે ૨૭, ગોલ્‍ડના રૂા.૩૩: દુધ મોંઘુ થતાં હવે મીઠાઇ - દહી- ઘી - ચીઝ - પનીર - છાશ વગેરે મોંઘા થશે

નવી દિલ્‍હી, તા.૩: મોંઘવારીના વિષચક્રનો સામનો કરી રહેલી પ્રજાને આજે વધુ એક ધગધગતો ભાવ વધારાનો ડામ લાગ્‍યો છે. અમુલે એક ઝાટકે દુધના ભાવમાં રૂા.૩નો વધારો જાહેર કર્યો છે. આ નવો ભાવવધારો ગુજરાતમાં લાગુ નહીં પડે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સિવાયના રાજ્‍યો અને ખાસ કરીને દિલ્‍હી, પુના, મુંબઇ જેવા મોટા શહેરોમાં અમુલનો આ ભાવવધારો લાગુ થશે. નવો ભાવ વધારો આજથી જ અમલી બની ગયો છે. દુધના ભાવ વધતા હવે ખાનગી ડેરીઓ પણ ભાવ વધારશે અને આના કારણે મીઠાઇ - દહી - છાશ- ચીઝ - પનીર - ઘી વગેરેના ભાવ વધશે એ નક્કી છે. અમુલે ટુંકા ગાળામાં ફરી વખત ભાવ વધારો ઝીંકતા ભારે દેકારો બોલી જવા પામ્‍યો છે.

ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્‍યો છે. નવી કિંમતો તાત્‍કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. નિવેદન અનુસાર, આ સુધારા પછી, અમૂલ ગોલ્‍ડની કિંમત ૬૬ રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ફ્રેશની કિંમત ૫૪ રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ ૫૬ રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત ૭૦ રૂપિયા પ્રતિ લિટર હશે.

કંપનીના જણાવ્‍યા અનુસાર, હવે અમૂલ તાજુ અડધુ લીટર દૂધ રૂ.૨૭માં મળશે. જ્‍યારે તેના ૧ લીટર પેકેટ માટે ૫૪ રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્‍ડનું અડધા કિલોનું પેકેટ એટલે કે ફુલ ક્રીમ દૂધ હવે રૂ.૩૩માં ઉપલબ્‍ધ થશે. જ્‍યારે તેના ૧ લીટર માટે ૬૬ રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને ૫૬ રૂપિયા થઈ ગઈ છે. જ્‍યારે અડધા લીટર માટે ૨૮ રૂપિયા ચૂકવવા પડશે. જ્‍યારે ભેંસનું A2 દૂધ હવે ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

અમૂલે ગયા વર્ષે ઓક્‍ટોબરમાં પ્રતિ લિટર ભાવમાં ૨ રૂપિયાનો વધારો કર્યો હતો. એવું કહેવામાં આવ્‍યું હતું કે આ ભાવ વધારો દૂધના ઉત્‍પાદન અને સંચાલન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્‍યો છે. ગત વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્‍યાનમાં રાખીને, અમારા સભ્‍ય સંગઠનોએ ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોના ભાવમાં ૮-૯ ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, ડિસેમ્‍બરમાં મધર ડેરીએ દિલ્‍હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન)માં દૂધના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

 

નવા ભાવનું લિસ્‍ટ

ક્રમ  પ્રોડક્‍ટ                   નવો ભાવ

૧   અમૂલ તાઝા ૫૦૦ મીલી ૨૭

૨   અમૂલ તાઝા ૧ લીટર            ૫૪

૩   અમૂલ તાઝા ૨ લીટર            ૧૦૮

૪   અમૂલ તાઝા ૬ લીટર            ૩૨૪

૫   અમૂલ તાઝા ૧૮૦ મીલી ૧૦

૬   અમૂલ ગોલ્‍ડ ૫૦૦ મીલી ૩૩

૭   અમૂલ ગોલ્‍ડ ૧ લીટર            ૬૬

૮   અમૂલ ગોલ્‍ડ ૬ લીટર            ૩૯૬

૯   અમૂલ કાઉ મિલ્‍ક ૫૦૦ મીલી     ૨૮

૧૦  અમૂલ કાઉ મિલ્‍ક ૧ લીટર        ૫૬

૧૧  અમૂલ એટુ બફેલો મિલ્‍ક ૫૦૦ મીલી      ૩૫

૧૨  અમૂલ એટુ બફેલો મિલ્‍ક ૧ લીટર ૭૦

૧૩  અમૂલ એટુ બફેલો મિલ્‍ક ૬ લીટર ૪૨૦

(11:21 am IST)