Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ અમદાવાદની બજારોમાં હાફુસ, કેસર, બદામ, સુંદરી સહિતની કેરીનું આયમનઃ 200થી 900 રૂપિયા ભાવ

જેમ-જેમ ઉનાળો જામશે તેમ-તેમ કેરીની આવક વધશે અને ભાવ ઘટશે

અમદાવાદ: કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ભરબપોરે કોઈ બહાર નીકળી નથી રહ્યું. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. સૌ કોઈ આ આકરા તાપથી પરેશાન છે. ત્યાં ગુજરાતીઓ જેની આખુ વર્ષ આતુરતાથી રાહ જુવે છે તે ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. અલગ અલગ કેરીઓ બજારમાં આવતા સ્વાદના શોખીનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જો કે આકરાના તાપની માફક કેરીનો પણ હાલ આકરો જોવા મળી રહ્યો છે. ત્યારે ફળોના રાજાના આગમન પર ખાસ અહેવાલ.

ગુજરાતમાં કદાચ એવી કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને કેરીનો સ્વાદ પસંદ ન હોય. કોઈ કાપીને તો કોઈ ગોળીને. તો કોઈ તેનો રસ કાઢીને ખાય છે. પરંતુ કેરી તો ખાય જ છે. હાલ ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેના કારણે સૌ કોઈ પરેશાન છે. પરંતુ કેરીનું આગમન થતાં સ્વાદના શોખીનોને થોડી રાહત થઈ છે. જો કે અમદાવાદના બજારમાં કેરીનું આગમન તો થયું છે પરંતુ આકરા તાપની માફક કેરીના પણ આકરા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બજારમાં હાલ હાફુસ, કેસર, બદામ અને સુંદરી કેરી નજરે પડવા લાગી છે. જેનો ભાવ પણ અલગ અલગ જોવા મળી રહ્યો છે.

ફળોના રાજા કેરીનું અમદાવાદમાં આગમન થયું છે. આ કેરીના ભાવ પણ તમે જાણી લો તો હાફુસ ડઝન કેરીનો ભાવ 900 રૂપિયા છે, કેસર કેરીની પેટીનો ભાવ પણ 900 રૂપિયા છે. તો સુંદરીનો ભાવ 200 અને બદામ કેરીનો ભાવ પણ 200 રૂપિયા બોલાઈ રહ્યો છે. હાલ આ ભાવ વધારે છે. પરંતુ જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.

કઈ કેરીનો કેટલો ભાવ?

    હાફુસ ડઝનનો ભાવ 900 રૂપિયા

    કેસર પેટીનો ભાવ 900 રૂપિયા

    સુંદરીનો ભાવ 200 રૂપિયા

    બદામનો ભાવ 200 રૂપિયા

તો ગીરની ખ્યાતનામ કેસર કેરી પણની આવક શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં તો મોટા પ્રમાણમાં કેસર કેરી જોવા મળી રહી છે. અને હવે આ કેસર હવે અમદાવાદ સુધી પણ પહોંચી ગઈ છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું. જેના કારણે જોઈએ તેટલા પ્રમાણમાં કેરીની આવક થઈ શકી નથી. તો વલસાડી કેસર કેરીની આવક આ વખતે ઘણી ઓછી જોવા મળી રહી છે. જેનું કારણ પણ કમોસમી વરસાદ જ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને કરાને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે વલસાડી કેસર ખુબ જ ઓછી આ વખતે જોવા મળી રહી છે.

કેરીનો ફળોનો રાજા કહેવામાં આવે છે. અને તેમાં ખાસ ગુજરાતની કેરીની ગુજરાત જ નહીં પરંતુ દેશ અને પરદેશમાં પણ સારી માગ રહે છે. જેટલી કેરી ખવાય છે તેટલું કદાચ કોઈ ફળ નહીં ખવાતું હોય....ગીરની કેસર કેરીએ તો વિશ્વના વિકસિત દેશોને પણ ઘેલું લગાડ્યું છે. તેથી જ ગુજરાત કરતાં વિદેશમાં કેરીની નિકાસ વધારે થાય છે. આ વખતે કેરીનો ભાવ ખુબ વધુ જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં આવક વધતાં ભાવમાં ઘટાડો આવશે. ત્યારે જોવાનું રહેશે કે કેરીના ભાવમાં કેટલો ઘટાડો થાય છે?

(5:27 pm IST)