Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

ક્ષત્રિયોમાં માફી માંગવાની હોતી જ નથી, જે ભુલ કરે એનું અમે માથું જ કાપી નાખીએ : મહારાણી રૂકમણી દેવી

રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવા રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવીની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરૂદ્ધની ટિપ્પણીને લઈ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને એમની લોકસભાની ટીકીટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.પરસોત્તમ રૂપાલાએ આ મુદ્દે ક્ષત્રિય સમાજની માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ માફી સ્વીકારવા તૈયાર નથી અને ટીકીટ રદ કરવાની માંગ પર અડગ છે.ત્યારે રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી ગોહિલે પણ રૂપાલાને બદલવાની માંગ કરી છે.

રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી ગોહિલે જણાવ્યું હતું કે રાજવી પરિવાર મુગલો સાથે બેટી વેહવાર કરતા હતા એવુ પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયો વિશે જે બોલ્યાં એ ખોટુ છે, હું ક્ષત્રિય સમાજના રૂપાલા વિરુદ્ધના આંદોલનને સમર્થન આપુ છું.એવા પણ દાખલા છે કે રાજપુતાણીઓ જોહર કરી મુગલોના હાથમાં આવ્યા ન્હોતા. રૂપાલાએ માફી માંગી એનાથી નહિ ચાલે, મારે પીએમ મોદીને કેહવુ છે કે રૂપાલાની ટીકીટ રદ કરો. પરસોત્તમ રૂપાલા આવી વિચારધારાને લીધે બદનામ થાય છે,એમણે પોતાની આવી વિચારધારાને બદલવી જોઇએ. ક્ષત્રિયોમાં માફી માંગવાની હોતી જ નથી, જે ભુલ કરે એનું અમે માથું જ કાપી નાખીએ.ક્ષત્રિય સમાજ રૂપાલાથી ઘણા નારાજ છે એટલે એમની જગ્યાએ અન્ય ને ટીકીટ આપવી જોઈએ.રાજવી પરિવારના બલિદાનને લીધે જ આજે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે

(11:00 pm IST)