Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

ક્ષત્રિય સમાજ ટીકીટ રદ કરવાની માંગે અડગ:ગોપાલપુરા ગામમાં રૂપાલાના વિરોધમાં પ્રવેશદ્વાર પર બેનર મારી નોંધાવ્યો વિરોધ

જો રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી પણ ઉચારી:રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદાના ગોપાલપુરા ગામે ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગોપાલપુરા રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં ગામમાં ભેગા થઈ ગામની બહાર બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો,રાજ્યમાં ઠેર-ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે. એમાં ક્ષત્રિય સમાજની રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માગ પણ અડગ છે.

પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહ સભામાં રજવાડાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે સાથે ગોપાલપુરા ગામ બહાર બેનર પણ લગાડવામાં આવ્યું છે અને આ બેનર માં લખ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપ ના નેતાઓ કે કાર્યકરો એ ગોપાલપુરા માં પ્રવેશ કરવો નહીં,રાજપૂત સમાજ પોતાનું માથું કપાવી નાખે તેવો સમાજ છે ગમે તેમ બોલી જાય અને પછી માફી માંગી લેવાની એવું ના ચલાવી લેવાય અને જો રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી પણ ઉચારી હતી.

(11:06 pm IST)