Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગુજરાતની છ મહિલા ખેલાડી ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે

ગુજરાતી મહિલાઓનો રમતક્ષેત્રે ઈતિહાસ : અંકિતા રૈના, સોનલ-ભાવિના પટેલ, માના પટેલ, પારૃલ પરમાર, વાલરિવન જુદી જુદી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે

ગાંધીનગર, તા. ૨ : ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ૨૦૨૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિક કક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૦ રમતો આ વર્ષે તા.૨૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે. મુખ્યમંત્રી વિજય રૃપાણી એ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે.

(9:31 pm IST)