Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજયની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવા નિર્ણય

પ્રાથમિક શિક્ષણ સંઘની રજૂઆતના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકે નિર્ણય લીધો

અમદાવાદ :રાજ્યમાં કોરોનાની સ્થિતિના કારણે હજુ પણ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓને 31 જુલાઇ સુધી સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે

સાથોસાથ અભ્યાસના કલાકોમાં ઘટાડો ન થાય તે જોવાની પણ તાકીદ કરવામાં આવી છે. પ્રાથમિક સ્કૂલોના સમયને લઈને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આજે શુક્રવારે પરિપત્ર કરી શાળાનો સમય સવારનો કરવા આદેશ આપ્યો છે.

રાજ્યમાં જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જોકે, કોરોનાના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ હજુ શરૂ કરી શકાયું નથી. હાલમાં પણ શાળાઓમાં ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં શાળાઓ સવાર પાળી અને બપોર પાળીમાં ચાલતી હોવાથી શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત ઓનલાઈન અભ્યાસમાં પણ મુશ્કેલીઓ આવતી હતી. સવારના સમયે વાલીઓ ઘરે હોવાથી ઓનલાઈન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓને સરળતા રહેતી હતી. જેથી રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓને પત્ર લખી ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય ત્યાં સુધી શાળાનો સમય સવારનો કરવા રજૂઆત કરી હતી.

પ્રાથમિક શિક્ષણ સંઘ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંઘોએ પણ પ્રાથમિક સ્કૂલોના સમયને લઈને વિભાગ સમક્ષ કરાયેલી રજૂઆતોના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનો સમય સવારનો કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા આ મુદ્દે શુક્રવારે જારી કરાયેલા પરિપત્રમાં તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને જણાવાયું છે કે, રાજ્યની પ્રાથમિક સ્કૂલોનો સમય સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંઘ દ્વારા જ્યાં સુધી સ્કૂલો ઓનલાઈન ચાલતી હોય ત્યાં સુધી સવારનો સમય રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા હાલ રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલો આગામી એક માસ એટલે કે 31 જુલાઈ સુધી સવારના સમયે ચલાવવા માટેનો નિર્ણય લેવાયો છે અને તે અંગેનો ઠરાવ પણ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈઓને ધ્યાને લઈને સ્કૂલોના સમય સવારનો રાખવા માટે સુચનાઓ આપવામાં આવી છે. જે મુજબ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શાળાના અભ્યાસના કલાકો ન ઘટે તે રીતે શાળાનો સમય સવારનો રાખવા માટે આદેશ કરાયો છે. હાલમાં વિભાગ દ્વારા એક માસ પુરતો જ શાળાનો સમય સવારનો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

(10:23 pm IST)