Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

દેશના 65 બોર્ડના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ધો.11માં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે

શાળાઓએ કામચલાઉ પ્રવેશ આપ્યા બાદ તેમના પ્રમાણપત્રની ચોકસાઇ કરવાની રહેશે

અમદાવાદ :દેશના જુદા જુદાં 65 બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ધોરણ-11ની શાળાઓમાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે આ વિદ્યાર્થીઓને શાળાઓએ કામચલાઉ પ્રવેશ આપ્યા બાદ તેમના પ્રમાણપત્રની ચોકસાઇ કરવાની રહેશે અને ત્યારબાદ તેમને કાયમી પ્રવેશ ફાળવવાનો રહેશે. આ 65 બોર્ડના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવા માટેની દરખાસ્ત કરવાની રહેશે નહીં.

દેશના અન્ય રાજ્ય કે અન્ય બોર્ડમાંથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજિસ્ટર થયેલી શાળામાં ધોરણ-11માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. અગાઉ દેશના 62 બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પ્રવેશ મળતો હતો. જોકે, આ વખતથી 65 બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રવેશ યોગ્યતા માટે માન્ય કરેલા 65 બોર્ડની યાદી પૈકીના કોઈ પણ બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નોંધાયેલી શાળાકીય અભ્યાસ માટે ધોરણ-11માં પ્રવેશ મેળવવા માટે બોર્ડની કચેરીએથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવાની દરખાસ્ત કરવાની જરૂર નથી.

ધોરણ-11માં પ્રવેશ મેળવવા માંગતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષય સાથે ધોરણ-10 પાસ કરેલું હોય તો જ શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-11માં પ્રવેશ આપવાનું બોર્ડની શૈક્ષણિક અને કારોબારી સમિતિ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. જે બાબતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે શાળાઓએ ધ્યાને લેવાનું રહેશે.

પ્રવેશ યોગ્યતા માટે માન્ય યાદી મુજબના અન્ય બોર્ડમાંથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને શાળાએ કામચલાઉ પ્રવેશ આપ્યા બાદ તેના પ્રમાણપત્રની ખરાઈ કરાવી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવ્યા બાદ કાયમી પ્રવેશ આપવાનો રહેશે. બોર્ડ દ્વારા માન્ય કરેલા 65 બોર્ડ સિવાયના બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ અપાશે તો તેની જવાબદારી જે તે શાળાઓની રહેશે

(11:56 pm IST)