Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

આઇટી પોર્ટલ... રિટર્ન ડાઉનલોડ થવા માંડયા, અપલોડના ધાંધિયા અકબંધ

૭ જૂનથી નવું પોર્ટલ શરૂ કરવાની જાહેરાત છતાં કરદાતાઓ હેરાન : દક્ષિણ ગુજરાતમાંથી હજુ પણ એક પણ આઇટી રિટર્ન ફાઇલ થયું નથી

અમદાવાદ તા. ૩ : ઇન્કમટેકસના નવા પોર્ટલ પરથી રિટર્ન ભરવા માટેના ફોર્મ ડાઉનલોડ થવાની શરૂઆત તો થઈ છે પરંતુ ફોર્મ ભરપાઇ કર્યા બાદ તેના રિટર્ન જ હજુ અપલોડ થતા નહીં હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાંથી આજ દિવસ સુધી એક પણ આઇટી રિટર્ન ફાઇલ થયા નહીં હોવાની વિગતો જાણવા મળી છે. જયારે સમગ્ર દેશમાંથી એક લાખ જ રિટર્ન હજુ સુધી ફાઇલ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા રિટર્નમાં સુધારા વધારા કર્યા બાદ નવા પોર્ટલની શરૂઆત કરવાની જાહેરાત સાત જૂનના રોજ કરી હતી, પરંતુ હજુ પણ આઇટી પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત થયું નથી. કારણ કે ઇન્કમટેકસ વિભાગે તૈયાર કરેલા નવા ફોર્મ ડાઉનલોડ થવાની સુવિધા હવે કાર્યરત થઇ છે. પરંતુ ફોર્મ ભરપાઇ કર્યા બાદ તેને અપલોડ કરવામાં હજુ પણ ટેકિનકલ ખામીઓ આવી રહી છે. તેના લીધે ફોર્મ જ અપલોડ થતા નહીં હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી રહી છે. તેના લીધે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના એક પણ કરદાતાએ રીટર્ન ફાઇલ કર્યા નથી. જયારે ભૂતકાળમાં જૂનના અંત સુધીમાં ૨૦થી ૩૦ ટકાની આસપાસ આઇટી રિટર્ન ફાઇલ થઇ જતા હોય છે. જયારે જૂન માસ પૂર્ણ થયા બાદ પણ હજુ આઇટી રિટર્ન ફાઇલ થવામાં સમસ્યાને લીધે છેલ્લી ઘડીએ સીબીડીટી દ્વારા રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરે તો નવાઈ નહીં, કારણ કે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઓડિટ વિનાના કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી મુદત નક્કી કરવામાં આવી છે. જયારે ઓડિટ સાથેના રિટર્ન માટેની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર જાહેર કરવામાં આવી છે. જયારે જાણકારો એવું કહી રહ્યા છે કે આ સમયમર્યાદામાં તમામના આઇટી રિટર્ન ભરાય તેવી હાલ તો શકયતા દેખાતી નથી.

(10:05 am IST)