Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કઠોળના ભાવમાં વધ-ઘટ ન હોવા છતાં સ્ટોક મર્યાદા લાગુ કરાતા વેપારીઓમાં આશ્ચર્ય

પેટ્રોલ - ડિઝલ અને ગેસના ભાવો વધતા લોકોનું ધ્યાન બીજી તરફ દોરવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા : સોમવારે વાયદા બજાર ખુલતા કઠોળમાં ભાવો ઘટે તેવી શકયતા : કઠોળના વાવેતર ટાંકણે જ સ્ટોક મર્યાદાનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં રોષ : સ્ટોક લીમીટ નંખાતા ખેડૂતોનો માલ કોણ લેશે? ખેડૂતોને ભાવ કેવી રીતે મળશે ? નવા ફતવાથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધશે ? મોટી કંપનીઓને ફાયદો કરાવવા માટે વેપારીઓ ઉપર લાયસન્સરાજ શા માટે ? વેપારીઓમાં ફરતો લાકડીયો તાર

રાજકોટ તા. ૩ : કેન્દ્ર સરકારે કઠોળના ભાવો નિયંત્રણમાં રાખવા ગતરાત્રે એક પરિપત્ર જાહેર કરી મગ સિવાયના તમામ કઠોળમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણય જથ્થાબંધ વેપારીઓ, રિટેઇલરો, આયાતકારો અને તમામ મિલરોને લાગુ પડશે અને ઓકટોબર માસ સુધી તેનો અમલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વેપારીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ છેલ્લા એક માસમાં કઠોળના ભાવમાં ખાસ કોઇ વધ-ઘટ નથી. કઠોળના ભાવો સ્થિર છે તો સ્ટોક મર્યાદા શું કામ લાગુ કરાઇ ?

વેપારી વર્તુળોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, તાજેતરમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવવધારાના કારણે સરકારને લોકરોષનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ભાવવધારામાંથી લોકોનું ધ્યાન બીજે દોરવા કઠોળમાં સ્ટોક મર્યાદાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટોક મર્યાદા લાગુ કરતા સોમવારે વાયદા બજાર ખુલતા કઠોળના ભાવો ઘટે તેવી શકયતા છે. કઠોળના વાવેતર ટાંકણે જ કઠોળમાં સ્ટોકમર્યાદા લાગુ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાઇ તેવી વકી છે.

દરમિયાન કેન્દ્ર સરકારના મગ સિવાયના કઠોળ ઉપર સ્ટોક મર્યાદા લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં વેપારીઓમાં લાકડીયો તાર ફરી રહ્યો છે કે, કેન્દ્ર સરકારે સ્ટોક લીમીટ નાંખી તો હવે ખેડૂતોનો માલ કોણ લેશે ? ખેડૂતોને ભાવ કેવી રીતે મળશે ? ખોટી કંપનીઓને પ્રમોટ કરવા અથવા તો તેને ફાયદો કરાવવા માટે નાના-નાના વેપારીઓ ઉપર લાયસન્સરાજ શા માટે ? કેન્દ્ર સરકાર કોના ઇશારે આ નિર્ણય લઇ રહી છે, વેપારીઓ માટે રોજેરોજ નવા - નવા ફતવા આવી રહ્યા છે તો મોટી કંપનીઓ માટે પણ સ્ટોક લીમીટ લાગુ કરવી જોઇએ.

કઠોળ ઉપર સ્ટોકમર્યાદા લાગુ કરવાના નિર્ણયનો વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.

(6:17 pm IST)