Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને આપી રહ્યા છે શેરી શિક્ષણ

ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષકો તેમના શેરી મહોલ્લામાં જઈને શિક્ષણ આપી રહ્યા છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લામાં કોરોનાને લઈ નાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોનો ફૂલ ટાઈમ શરૂ કરીને પ્રાથમિક સ્કૂલના બાળકોને ઘરે બેઠા શિક્ષણ પૂરું પાડવા માટે શેરી શિક્ષણનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં વિરમગામ, દશક્રોઇ તાલુકા સહીત અમદાવાદ જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો શેરીમાં જઇ ધો.૧ થી ૮ ના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે અને જે બાળકો ઓનલાઇન જોઈન્ટ નથી થઈ શકતા તેવા બાળકોને ઘરે જઈને પણ રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. કોવિડના કારણે શાળામાં બાળકોનું ઓફ લાઇન શિક્ષણ બંધ છે. પરંતુ શેરી શિક્ષણથી નાના બાળકો શિક્ષણ મેળવી રહ્યા હોવાથી વાલીઓમા પણ આનંદની લાગણી છવાઈ છે.
 દશક્રોઇ તાલુકાની ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષક દર્શના પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારી ને કારણે શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ નું શિક્ષણ ન બગડે તે માટે ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષકો શેરી મહોલ્લાઓ માં જઈને કોવીડ પ્રોટોકોલનું પાલન કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને સમયાંતરે બોલાવીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શેરી શિક્ષણ ના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સરળતાથી શિક્ષણ મેળવી રહ્યા છે.
  વિરમગામ તાલુકાની કમીજલા પ્રાથમિક શાળાના શિક્ષક શિલ્પા ભાનુશાળીએ જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા વોટ્સઅપ ગૃપ બનાવીને તેમાં નિયમિત શૈક્ષણિક વિડીયોની લીંક તથા ગૃહકાર્ય મોકલીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના દરેક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષકો દ્વારા શેરીમાં જઈને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ટુકડીઓમાં શિક્ષકો ગામમાં જાય છે અને વિવિધ વિસ્તારમાં જઇને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. એક સાથે અંદાજે આઠ વિદ્યાર્થીઓને માસ્ક સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શિક્ષણ આપવામાં આવે છે.

(12:12 pm IST)