Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ડાંગ જિલ્લામાં પર્યટકો પર્યટન સ્થળોએ સેલ્ફી લેશે તો અપરાધ ગણાશે

શાર્કથી પણ વધુ જીવલેણ સાબિત થઇ રહી છે મોબાઇલ સેલ્ફી

સૂરત તા. ૩ :  હાલના સમયમાં લોકોમાં સેલ્ફી લેવાનો અનેરો ક્રેઈઝ જોવા મળી રહ્યો છે. જો કે શાર્કથી પણ વધુ જીવલેણ સાબિત થઇ રહી હોય તો તે છે સેલ્ફી. એક સ્ટડી પ્રમાણે દુનિયામાં શાર્ક માછલીના હુમલાથી જેટલા મૃત્યુ થાય છે તેના કરતા પાંચ ગણી મૃત્યુ જળાશયોની નજીક સેલ્ફી લેવાના ચક્કરથી થઇ છે. આવી રીતના થતા મૃત્યુને કારણે ડાંગ જિલ્લા પ્રસાશને વિવિધ પર્યટન સ્થળો પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લામાં આવેલા હિલસ્ટેશન સાપુતારા અને વઘઇ વચ્ચેના જળસ્રેતો અને પર્યટન સ્થળો પર સેલ્ફી લેવી એ અપરાધ ગણવામાં આવશે. ભૂતકાળમાં આ સ્થળોએ સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો હાદસાનો શિકાર બની ચુકયા છે.પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ચોમાસાની ઋતુમાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. અને અહીંના કુદરતી સૌંદર્યનો આહલાદક અનુભવ કરે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન લગાવાયેલા પ્રતિબંધો હટાવતાની સાથે જ અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે. ડાંગ જિલ્લાના કલેકટર ટી. ડી. ડામોરે જણાવ્યું કે, આ પહેલા વર્ષ ૨૦૧૯માં પણ ચોમાસાની ઋતુમાં સાપુતારા વઘઇ રોડ માટે એવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં પર્યટક સ્થળો પર ચેતવણીના હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. અને જો સેલ્ફી લેતા પકડાઈ ગયા તો આઈપીસીની કલમ ૧૮૮ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

એક અમેરિકી સંસ્થા દ્વારા ૨૦૧૧ થી ૨૦૧૭ સુધીના કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દુનિયામાં સેલ્ફી લેતા સમયે અકસ્માત સર્જાતા ૨૫૯ ઘટનાઓ સામે છે. જેમાંના અડધા મોત માત્ર ભારતમાં થયા છે. પ્રથમ ભારત, બાદમાં રશિયા, અમેરિકા અને પાકિસ્તાનનો નંબર આવે છે.

(3:05 pm IST)