Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

૮ વર્ષ પહેલા લાપતા બનેલો સંતોષ બની ગયો અબ્દુલ્લા !

પ્રલોભન આપી બ્રેઇન વોશ કરાયાનો પરિવારજનોનો આક્ષેપ

સુરત, તા., ૩: ઉતરપ્રદેશ પોલીસ દ્વારા હમણા મજબુર લોકોને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરવાવાળા કેટલાક લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા લોકોને વિદેશમાંથી ફંડ મળતુ હોવાનો અને દેશભરમાં નેટવર્ક ધરાવતા હોવાનો આરોપ લગાવાયો છે. ૮ વર્ષ પહેલા સુરતમાંથી લાપતા થયેલો સંતોષ હવે અબ્દુલ્લા બની ગયો છે. આ મુદ્દે અનેક સવાલો ઉઠી રહયા છે. ત્યારે તેના પરીવારજનોએ સંતોષને પ્રલોભન આપી તેનું બ્રેઇન વોશ કરાયાનો આક્ષેપ કર્યો છે.

ભટાર વિસ્તારની આઝાદનગર ઝુંપડપટ્ટીમાં રહેવાવાળા સંતોષના ભાઇ દિનેશે જણાવ્યું કે, તેનો પરીવાર મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લાનું રહેવાશી છે. તે ત્રણ ભાઇઓ છે. જયારે ત્રણેય નાના હતા ત્યારે જ માતા-પિતાની છત્રછાયા ઉઠી ગઇ હતી.  બેહદ મુશ્કેલીભર્યા સંજોગોમાં ગુજરાન ચલાવતા હતા. સૌથી નાનો સંતોષ એ વખતે છુપાઇને મસ્જીદમાં જતો હતો. પછી અમે તેને આમ કરવાનું કારણ પુછયું ત્યારે તેણે જણાવ્યું કે ત્યાં તેને સારૂ ખાવાનું મળે છે અને નમાજ શીખડાવવામાં આવે છે. તને મસ્જીદ જવાની ના પાડી છતા અમે બંન્ને ભાઇઓ કામ ઉપર જતા ત્યારે ફરીથી મસ્જીદે જતો અને મુસ્લીમ ટોપી પહેરી જન્નતમાં જવાની અને આડી અવળી વાતો કરતો હતો. ર૦૧૩ માં જયારે તે ૧૬ વર્ષનો હતો ત્યારે તેને કામ પર લગાવ્યો. ૪ મહિના તેણે કામ કર્યુ પછી લાપતા થઇ ગયો હતો. તેનો કોઇ અતો-પતો લાગ્યો ન હતો. ખુબ તપાસ કર્યા પછી ર૦૧૭માં અમે ફેસબુક ઉપર તેનો ફોટો નાખ્યો ત્યારે તેણે કોલ કરી જણાવ્યું કે તે સંતોષમાંથી અબ્દુલ્લા બની ગયો છે અને ઉતરપ્રદેશના સહારનપુર મદ્રેસામાં રહે છે અને બાળકોને ભણાવે છે. આ સાંભળી પરીવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.  પોલીસ તેને સુરત લઇ આવી હતી. ફરીથી તે ૪ મહિના રહયો અને પાછો ભાગી ગયો. પાછળથી તે તેના ભાઇઓને સહારનપુર આવવા અને મુસ્લીમ બની જવા કહેતો હતો અને ત્યાં આવશે તો કોઇ તકલીફ ભોગવવી નહી પડે તેવા પ્રલોભનો આપતો હતો. અમે તેને સમજાવવાની કોશીષ કરી પણ તે ન માન્યો. ત્યાર પછી તે ફોન તો કરતો હતો. પરંતુ તેનું એડ્રેસ આપતો ન હતો. અમે પોલીસની પણ મદદ માંગી પણ કોઇ મદદ મળી ન હતી.  દિનેશે કહયું કે, ફોન ઉપર સંતોષ ઉર્ફે અબ્દુલ્લાએ તેના કાશ્મીરી મિત્રો સાથે વાત કરાવી હતી. તેના આ મિત્રોને જયારે મેં કહયું કે હું તેનો મોટો ભાઇ છું. મને તેની ચિંતા છે. તેને મારી પાસે મોકલી દયો. ત્યારે એ લોકોએ કહયું કે અમે અબ્દુલ્લાને તમારા કરતા વધારે પ્રેમ કરીએ છીએ. પછી સંતોષે કહયું કે તે જન્નતમાં જવા માંગે છે. તે મિત્રો સાથે કાશ્મીર અને ત્યાંથી વિદેશ જશે તેવું કહેતો હતો.

(3:05 pm IST)