Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ માટે કરી મોટી આગાહી

બંગાળની ખાડીમાં ૮મી બાદ લો પ્રેશર બનવાની શકયતાઃ જુલાઇના બીજા સપ્તાહના અંતમાં સારા વરસાદનું અનુમાન

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦ મીમી વરસાદ થવો જોઇએ : ૨૧ ટકા વરસાદની ઘટ

અમદાવાદ તા. ૩ : ગુજરાતીઓ ફરીથી પાછા મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. વરસાદની ઘટ વર્તાઇ રહી છે. અત્યાર સુધીનો સરેરાશ ૧૪.૫૪ ટકા વરસાદ નોંધાયો છે. તો ગત વર્ષે પણ ૨ જુલાઈ ૨૦૨૦ સુધીમાં ૧૫.૯૦ ટકા વરસાદ નોંધાયો હતો.

સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ પણ જરૂરી છે. અરબી સમુદ્રમાં અથવા તો બંગાળમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. જોકે, ચોમાસાના આગમન દરમિયાન વરસાદ સારો થયો ત્યાર બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થયો. હજી પણ આગામી ૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને સિસ્ટમ સક્રિય થયા બાદ સારો વરસાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ ૧૦૨.૫ એમએમ વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦ એમએમ વરસાદ થવો જોઈએ. ગુજરાતમાં ૨૧ ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સારો વરસાદ થાય છે પરંતુ અત્યાર સુધી લો પ્રેશર બન્યું નથી અને ૭ થી ૮ જુલાઈ સુધી બનવાની સંભાવના પણ નથી. ૮ જુલાઈ બાદ લો પ્રેશર બનવાની શકયતા છે એટલે જુલાઈના બીજા સપ્તાહના અંતમાં સારા વરસાદની શકયતા છે. વરસાદ એક ફેસમાં આવે અને બીજા ફેસમાં ઘટી જતો હોય છે તો અત્યારે બ્રેક ફેસ ચાલે છે. સિસ્ટમ સક્રિય થશે એટલે સારો વરસાદ થશે.ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાના કારણે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતિત છે. ૨ જુલાઈ સુધીમાં કચ્છમાં સરેરાશ ૧૨.૬૨ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૨.૮૧ ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૪.૮૫ ટકા વરસાદ,દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૬.૨૭ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સરેરાશ ૧૪.૫૪ ટકા વરસાદ થયો છે.પરંતુ હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે, ૧૩થી ૨૦ જુલાઈમાં સારો વરસાદ થશે.

નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં એવરેજ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો અને ચોમાસું પણ પ્રમાણમાં ઘણું સારું રહ્યું હતું. તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો ૪૫.૭૪ ઈંચ સાથે સીઝનનો ૨૮૨.૦૮ ટકા વરસાદ પડ્યો હતો, જયારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે ૬૮.૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ જ ટ્રેન્ડ આ વર્ષે પણ જળવાઈ રહે તેવી શકયતા છે.

(3:48 pm IST)