Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન દ્વારા નવું નજરાણુઃ અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણતાના આરેઃ રમત-ગમતની સુવિધા મળશે

અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ AMC દ્વારા અમદાવાદીઓ માટે એક નવું નજરાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ પ્રેમી જનતા માટે અત્યાધુનિક કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણતાને આરે છે. સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ છેડે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદના પશ્ચિમ છેડે 27 કરોડના ખર્ચે NID પાછળના ભાગે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાને આરે છે. આ કોમ્પલેક્ષમાં ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ બનીને તૈયાર છે. ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત વિશાળ જોગિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓપન જીમનેશિયમ સહિત માટીમાં પરંપરાગત રમતો રમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ રિંગ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. રમતવીરો માટે ચેન્જિનગ રૂમ અને પ્રેક્ષકો માટે બેસવાની અને ફૂડકોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેંકડો ફ્લડ લાઈટથી કોમ્પલેક્સ સજજ કરાયું છે. વહેલી સવારે કે મોડી સાંજ બાદ પણ ઉપયોગી કરી શકાશે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ટુર્નામેન્ટ યોજવા માટે કોમ્પ્લેક્ષ સક્ષમ છે. નદીના પૂર્વ છેડે શાહપુર તરફ પણ નાનું કોમ્પલેક્ષ બનીને તૈયાર છે.

(4:37 pm IST)