Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટોક્યો ઓલિમ્પિકમાં જતા પહેલાં અમદાવાદમાં માના પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર અમદાવાદની વતની માના પટેલ જાપાન ઓલિમ્પિક્સમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લેશે

અમદાવાદ :21 વર્ષીય આંતરરાષ્ટ્રીય માના પટેલે આખા દેશમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર માના પટેલને ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા આજે અમદાવાદમાં રસી અપાઇ હતી. તરવૈયાએ શહેરના ડાઇવ અર્બન હેલ્થ સેન્ટર રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો. અમદાવાદની વતની માના પટેલ જાપાન ઓલિમ્પિક્સમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લેશે.

ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

કોરોના રસીકરણ અંગે માના પટેલે જણાવ્યું હતું કે, રસી એકમાત્ર શસ્ત્ર છે જે કોરોના મહામારી સામે ચાલી રહેલા યુદ્ધને જીતવા માટે છે. તેથી જ બધા લોકોએ કોરોના રસી લેવી જ જોઇએ. અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ રસીકરણ બાદ માના પટેલને ટોક્યો ઓલિમ્પિક્સની શુભકામના પાઠવી હતી.

માના પટેલ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થનારી દેશની પહેલી મહિલા બની છે. આ સિવાય તે આ રમતમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી ત્રીજી ભારતીય બની છે. ભારતની બેકસ્ટ્રોક તરણવીર માના પટેલે ભારતીય મહિલા કક્ષાએ મોટી સિધ્ધિઓ હાંસલ કરી છે. 21 વર્ષીય માના પટેલે અત્યાર સુધીમાં 80 થી વધુ મેડલ જીત્યા છે. માના પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે 25, રાજ્ય કક્ષાએ 82 અને રાષ્ટ્રીય કક્ષાએ 72 મેડલ જીત્યા છે.

(7:04 pm IST)