Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે :રદ નહીં થાય : શિક્ષણમંત્રીની સ્પષ્ટ જાહેરાત

ગુજકેટની પરીક્ષાની તારીખ પણ JEE અને NEETની પરીક્ષાની તારીખ બાદ જાહેર કરાશે : જીટીયુ ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન

અમદાવાદ : ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે અનેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા રદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. અને, ધોરણ 10 અને 12ની રિપીટર પરીક્ષા લેવાનું જણાવ્યું છે. સાથે જ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ JEE અને NEETની પરીક્ષાની તારીખ બાદ જાહેર કરવામાં આવશે તેમ શિશ્રણ મંત્રીએ ઉમેર્યું હતું.

ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ખાતે એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ‘ભલે રીપીટરની પરીક્ષા લેવા બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો હોય, પરંતુ, રીપીટરની પરીક્ષા તો લેવાશે જ, તેમણે કહ્યું કે પરીક્ષા રદ થાય તેવા વહેમમાં કોઇએ રહેવાની જરૂર નથી. 15 જુલાઈથી પરીક્ષા યોજાશે તે માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને, આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારી પણ કરી લેવામાં આવી છે.

આ સાથે જ શિક્ષણમંત્રીએ કહ્યું કે ધોરણ 12 સાયન્સ બાદ JEE અને NEETની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાશે. આ તમામ પરીક્ષાની તારીખો એક જ ન થાય તે માટે હમણાં જાહેરાત કરવામાં આવી નથી. 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.

શિક્ષણમંત્રી GTU ખાતે અટલ ઇક્યુબેશન સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. આ દરમિયાન સ્ટાર્ટઅપ અને સંશોધન કરી રહેલ કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ શિક્ષણમંત્રીએ મુલાકાત કરી હતી. ત્યારે બેટરીથી ચાલતા બાઈકનું સંશોધન કરવામાં આવેલા વિદ્યાર્થીને બાઈક સાથે મળ્યા હતા.

આ દરમિયાન તેમણે વિદ્યાર્થી પાસે બાઇક ચલાવવાની ઈચ્છા જતાવી હતી અન, બાદમાં પ્રધાને બેટરીવાળા બાઈક પર આંટો માર્યો હતો. બાઈક પર બેસતા પહેલા શિક્ષણમંત્રીએ કહ્યું કે, હું 30 વર્ષ પછી બાઈક ચલાવી રહ્યો છું. GTU કેમ્પસમાં જ શિક્ષણમંત્રીએ બાઈક પર આંટો માર્યો હતો.

(8:17 pm IST)