Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચસ્તરની મિટિંગમાં લેવાશે

રાજ્યમાં કોરોનામાં સતત ઘટાડો થતાં સારા સમાચાર : દોઢ વર્ષથી બંધ હોવાથી વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ ચાલે છે, પહેલાં કોલેજો-પછી શાળા ખોલવાના શિક્ષણમંત્રીના સંકેત

ગાંધીનગર, તા. ૩ : કોરોનાના કેસ લગભગ ગુજરાતમાં કાબુમાં આવી ચુક્યા છે. ડબલ ડિજિટમાં કોરોના આવી ચુક્યા છે. કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળા કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ ૧૨થી માંડીને ધોરણ ૧ સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.

જો કે આ તમામ પગલા ત્યારે જ લેવાશે જ્યારે સરકારી સમિતિ દ્વાર શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી એક ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ હાજર રહ્યા હતા. તે દરમિયાન તેમણે આ મહત્વની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે વિપક્ષી કોંગ્રેસ પક્ષના પણ વખાણ કર્યા હતા. શિક્ષણ બાબતે કોંગ્રેસ દ્વારા તેમને સંપુર્ણ સહયોગ મળતો હોવાનું પણ તેમણે આ બાબતે જણાવ્યું હતું.

(9:11 pm IST)