Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ધો.3થી 8ની 20થી 23 જુલાઈ દરમિયાન એકમ કસોટી લેવાશે : શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

વિદ્યાર્થીઓએ જવાબો લખીને ઉત્તરવહીઓ 30મી જુલાઇ સુધીમાં શાળામાં જમા કરાવવાની રહેશે

અમદાવાદ : રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.9, 10 અને 12 બાદ હવે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની પણ એકમ કસોટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમ કસોટી 20થી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટ કમ્સને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. એટલે કે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે ધોરણ-7ના લર્નિંગ આઉટ કમ્સના આધારે પેપર તૈયાર કરવામાં આવશે.

કોવિડ-19 સમય દરમિયાન વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રમાં રાજ્યની શાળાઓમાં ગત વર્ષની જેમ વિવિધ માધ્યમથી હોમ લર્નિંગની પ્રક્રિયા અમલમાં છે. હોમ લર્નિંગની સાથે મુલ્યાંકન હેતુસર જુલાઈ-2021માં રાબેતા મુજબ લેવાનારા સામયિક મુલ્યાંકન કસોટી અંગે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. જેથી જુલાઈ માસમાં ધોરણ-3થી 8માં 16 જેટલા વિષયની કસોટી યોજવામાં આવનાર છે. જુલાઈ માસમાં યોજાનારી એકમ કસોટીમાં ધોરણ-3માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત વિષયની કસોટી લેવામાં આવશે.

જ્યારે ધોરણ-4માં ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિત, ધોરણ-5માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ-6માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજી, ધોરણ-7માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજીની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-8માં ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત અને અંગ્રેજીની પરીક્ષા લેવાશે. ધોરણ-3થી 5માં 25 ગુણની પરીક્ષા હશે. જ્યારે ધોરણ-6થી 8માં 50 ગુણની પરીક્ષા લેવામાં આવશે. અન્ય માધ્યમ માટે ગુજરાતીના બદલે પ્રથમ ભાષાની કસોટી લેવામાં આવશે.

અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીના બદલે ગુજરાતી દ્વીતીય ભાષાની કસોટી લેવામાં આવશે. વિદ્યાર્થીઓની પ્રવર્તમાન શૈક્ષણિક સ્થિતિ જાણવાના હેતુસર પ્રથમ સામયિક કસોટી જે તે ધોરણમાં અગાઉના ધોરણના લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવશે. જેમ કે, ધોરણ-8માં ગુજરાતીની કસોટી ધોરણ-7 સુધીના લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવશે.

આ સામયિક મુલ્યાંકન કસોટી 20 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. 19 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે. 20 જુલાઇના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ પર પણ તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્ય પુસ્તકની અનુક્રમણિકા પરના ક્યુઆર કોડ પરથી મેળવી શકાશે.

કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકુળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે જોવાનું રહેશે. કસોટીની ઉત્તરવહીઓ 30 જુલાઈ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવા માટે જણાવાયું છે. ધોરણ-4થી 8માં કસોટીના ઉત્તરો ગત વર્ષની એકમ કસોટીના નોટબુકમાં લખવાના રહેશે. સંજોગવસાત આ નોટબુક ઉપલબ્ધ ન હોય તો અન્ય નોટબુકમાં લખવાના રહેશે. ધોરણ-3ની ગુજરાતી અને ગણિતની કસોટીઓની અંદર જ ઉત્તરો લખવાના રહેશે.

(10:27 pm IST)