Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વડોદરાનાં દાંડિયાબજાર વિસ્તારનાં રહેણાંક કોમ્પ્લેક્સમાં આગ : ત્રણ પરિવારના 10 જેટલાં લોકોના જીવ બચાવાયા

ખારીવાવ રોડ પર 4 માળનાં નારાયણ ભુવન રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સનાં પ્રથમ માળે સેનેટાઇઝરના ગોડાઉનમાં આગ ભભૂકી : નીચે ઉતરવાનો રસ્તો આગને કારણે બંધ: 3 પરિવારનાં 10 જેટલાં સભ્યોનું રેસ્ક્યુ કરાયું

વડોદરામાં ગીચ રહેણાંક વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને કારણે ત્રણ પરિવારનાં 10 જેટલાં રહીશોનાં જીવ જોખમમાં મુકાતા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

વડોદરાનાં અતિગીચ એવાં દાંડિયાબજાર વિસ્તારનાં ખારીવાવ રોડ પર એક રહેણાંક કોમ્પ્લેક્સમાં આગ લાગી ગઇ હતી. ખારીવાવ રોડ પર આવેલ 4 માળનાં નારાયણ ભુવન નામનાં રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સનાં પ્રથમ માળે સેનેટાઇઝરનું ગોડાઉન આવેલું છે. જેમાં મોટી માત્રામાં સેનેટાઇઝર તેમજ પીપીઇ કીટ સહિતનો મેડિકલ સાધન સામગ્રીનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. જેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી.

 

આગ લાગતાં જ વિસ્તારમાં ભાગદોડ સાથે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસ કર્યા હતાં. પરંતુ આગ વધુ વિકરાળ બની હતી. જેથી ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો.

આગને કારણે કોમ્પ્લેક્ષમાં રહેતાં 3 પરિવારનાં 10 જેટલાં સભ્યો ફસાઇ ગયાં હતાં. નીચે ઉતરવાનો રસ્તો આગને કારણે બંધ થઇ જતાં ફસાઇ ગયેલાં રહીશો જીવ બચાવવા કોમ્પલેક્ષની અગાસી પર ચઢી ગયાં હતાં. જેમાં બે વૃદ્ધાનો પણ સમાવેશ થતો હતો. જેમને બચાવવા ફાયરબ્રિગેડે સ્નોરસ્કેલ મશીનની મદદ લેવી પડી હતી. સ્નોરસ્કેલની મદદથી ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યાં હતાં.

 

નારાયણ ભુવનમાં લાગેલી આ આગે એકસાથે ત્રણ પરિવારોનાં જીવ જોખમમાં મુકી દીધાં હતાં. જેથી સવાલ ઉભો થાય છે કે, આવા રહેણાંક કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ ગોડાઉનની પરવાનગી કોને આપી..! ઘટનાને પગલે દોડી આવેલ ગોડાઉનનાં માલિકે આવા સવાલોનાં જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

આગને પગલે ફેલાયેલી અફરાતફરી વચ્ચે વડોદરાનાં મેયર, ડે.મેયર, ચેરમેન સહિત પાલિકાનાં પદાધિકારીઓ દોડી આવ્યા હતાં. કોઇપણ પ્રકારની NOC વગર અહીં રહેણાંક કોમ્પલેક્ષમાં ગોડાઉન ચાલતું હોવાની વાત આવતાં મેયરે આ મામલે તપાસનાં આદેશ આપ્યાં હતાં અને કસુરવારો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

 આગની આ ઘટનાને પગલે ખારીવાવ રોડ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગંભીર બેદરકારી રાખી લોકોનાં જીવ જોખમમાં મુકવા બદલ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી ફસાયેલા 10 જેટલાં લોકોનાં જીવ બચાવ્યા હતાં. હવે આ મામલે પાલિકા દ્વારા ગોડાઉનનાં માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. જે માટે ફાયરબ્રિગેડ દ્વારા ગોડાઉન માલિકને નોટિસ આપવામાં આવશે.

(11:57 pm IST)