Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.9થી 12ના ક્રમિક વર્ગ વધારાની કાર્યવાહી શરૂ કરાઈ

વર્ગ વધારો કરવા ઇચ્છતી સંસ્થા 31 જુલાઇ સુધીમાં અરજી કરી શકશે

અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ-9થી 12માં વર્ગ વધારા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ-10માં માસ પ્રમોશનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી ધોરણ-11માં વધારાના વર્ગોની જરૂરીયાતને પહોંચી વળવા માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ વર્ગ વધારાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં વર્ગ વધારા માટે 31 જુલાઈ સુધી અરજી કરી શકાશે. ત્યારબાદ અરજી અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્થળ તપાસ કરી પોતાની રિમાર્કસ મોકલવામાં આવશે.

ધોરણ-10માં આ વખતે માસ પ્રમોશનના કારણે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉપરાંત જુલાઈમાં જ રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ધોરણ-11મા વર્ગોની જરૂરીયાત ઊભી થવાની શક્યતાને ધ્યાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ વર્ગ વધારા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યની બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન-2021થી ધોરણ-9 અને 10ના વર્ગ વધારા તથા ધોરણ-11 અને 12ના ક્રમિક વર્ગ તથા વર્ગ વધારાની મંજુરી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુન-2021થી ધોરણ-9 અને 10ના વર્ગ વધારા તથા ધોરણ-11 અને 12ના ક્રમિક વર્ગ તથા વર્ગ વધારાની મંજુરી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અરજી કરતી વખતે આનુષાંગિક આધાર પુરાવા સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અધુરી કે અસ્પષ્ટ આધારોવાળી અરજીઓ દફ્તરે કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. દરેક અરજી માટે વર્ગદીઠ રૂ. 2500 ફી ઓનલાઈન ભરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેઓના એકાઉન્ટમાં મળેલી પોતાના જિલ્લાની શાળાઓના ઓનલાઈન ફોર્મ સંદર્ભે સુચના અનુસાર સ્થળ તપાસની કાર્યવાહી પુર્ણ કરી 22 ઓગસ્ટ સુધીમાં કમિશનર ઓફ સ્કૂલની કચેરીને જરૂરી રિમાર્કસ સાથે ઓનલાઈન સબમીટ કરવાની રહેશે. હાર્ડ કોપીમાં મળેલી દરખાસ્ત તથા સમય મર્યાદા બાદ અરજી કરવાની છુટ આપવા બાબતની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ પણ શાળાઓની કચેરીના નિયામક દ્વારા પરિપત્રમાં જણાવાયું છે.

(12:00 am IST)