Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગાંધીનગર મુક્તિધામમાં છેલ્લાં સાત મહિના દરમિયાન મૃત્યુ પામેલા 5000 સ્વજનોના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન કરાશે

મુક્તિધામ ખાતે પુષ્પાંજલિ અને પ્રાર્થનાસભાનું આયોજન :મોટી સંખ્યામાં નગરજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરમાં સેકટર 30માં આવેલા મુક્તિધામમાં છેલ્લાં સાત મહિના દરમિયાન મૃત્યુ પામેલા 5000 સ્વજનોના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન કરવામાં આવશે. સ્વજનોના અસ્થિને વિસર્જન માટે વિદાય આપવાના હેતુથી આજે મુક્તિધામ ખાતે પુષ્પાંજલિ અને પ્રાર્થનાસભાનું આયોજન થયુ હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગત તા. 6 ડિસેમ્બર, 2020થી 2 જુલાઈ, 2021 દરમિયાન મૃત્યુ પામેલા 5 હજાર જેટલા સ્વજનોના અસ્થિને લઈને ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રતિનિધિ ઉદય ત્રિવેદી, અંતિમધામના કર્મયોગી પુરબીયા, હર્ષાબા ધાંધલ અને તેમની દીકરી સહિત 10 બહેનોએ અસ્થિકુંભ લઈને હરિદ્વાર ખાતે પ્રસ્થાન કર્યુ હતું. 5 જુલાઈના રોજ સવારે 7.30થી 10.30 દરમિયાન વિસર્જન વિધિ સંપન્ન કરવામાં આવશે. આ નિમિત્તે 5 જુલાઈથી ચાર દિવસ સુધી હરકી પેઢી ખાતે હર્ષાબા દ્વારા હવન કરી સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

1996થી શરૂ થયેલી અસ્થિ વિસર્જન સેવામાં પ્રથમ વખત પાંચ હજાર અસ્થિ એકત્રિત થયા છે. જેમાં મુક્તિધામ સે-30 રૂદ્રભૂમિ, અમદાવાદ અને દહેગામમાં અગ્નિસંસ્કાર થયા હોય તેવા સ્વજનોના અસ્થિનો સમાવેશ થાય છે. આજે મોટી સંખ્યામાં નગરજનોએ સ્વજનોના અસ્થિને શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર શહેર વસાહત મહામંડળના અરુણ બૂચ, સુધીર દેસાઈ, કિશોર જીકાદરા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં રેલવે સ્ટેશને પણ હરિદ્વારની ટ્રેનને વિદાય વેળાએ મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી.

(12:01 am IST)