Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

જો અમારી સરકાર બની તો પેપર ફોડનારે રાજ્ય છોડવું પડશે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર

પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો અમે તેમને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર કૌભાંડમાં સંડોવાયેલ શખ્સોને પાતાળમાંથી શોધી તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જો અમારી સરકાર બની તો પેપર ફોડનારે રાજ્ય છોડવુ પડશે. જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો અમે તેમને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે કોંગ્રેસ આંદોલન કરશે.

ગુજરાતમાં પેપર લીક કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે એક પછી એક14 પેપરો ફુટ્યા છે જે જગજાહેર હોવા છતા કશૂરવારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. પેપરકાંડ થકી સરકાર યુવાઓના ધૈર્યનો ટેસ્ટ કરી રહી છે. એટલું જ નહિ ભાજપ પર સણસણતા આરોપ કરતા તેમણે જણાવ્યુ હતું કે, ભાજપવાળા માત્ર પોતાની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને જ નોકરી આપે છે. સરકાર માત્ર ગુજરાતના યુવાનો પાસે તૈયારીઓ જ કરાવે છે. યુવાઓ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે અને પેપર લિક થાય એટલે યુવાઓની મહેનત પાણીમાં જાય છે.

(1:08 am IST)