Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

જાત મહેનત ઝીંદાબાદ છોટા ઉદેપુરમાં 8 દિવસ ખેતરમાં પડી રહેલા વીજપોલ ખેડૂતોએ જાતે ઊભા કર્યા

MGVCL તાત્‍કાલીક વીજ સપ્લાય ચાલુ કરે તેવી માગ: જનીયારા ગામમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા

છોટા ઉદેપુર : ગત અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફુંકાયો હતો. ભારે વાવાઝોડાને કારણે છોટા ઉદેપુરમાં અનેક સ્થળોએ નુકસાન પહોંચ્યુ હતુ. જનીયારા ગામે ગત સપ્તાહમાં વાવાઝોડાને કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. જો કે MGVCL આજ સુધી આ વીજપોલ ફરીથી ઊભા કરવા આવ્યુ નથી.

જેને કારણે મુશ્કેલી વેઠતી પ્રજાએ અંતે જાત મહેનત કરવી પડી અને જનીયારા ગામના લોકોએ જાતે જ વીજપોલને સ્થળ પર લગાવ્યા હતા. જો કે હજુ પણ MGVCL દ્વારા વીજ પુરવઠો યથાવત ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

છોટા ઉદેપુરમાં MGVCLની ઘોર બેદરકારીની સજા પ્રજાએ વેઠવાનો વારો આવ્યો છે. ગત સપ્તાહમાં ફુંકાયેલા ભારે વાવાઝોડાના કારણે છોટા ઉદેપુરમાં ભારે તારાજી સર્જાઇ હતી. અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે ઘણા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે આજે આઠ દિવસ થવા છતા આ ધરાશાયી વીજપોલને ઊભા કરવા માટે MGVCLની ટીમ હજુ સુધી આ ગામમાં ફરકી પણ નથી. ગામના લોકો હજુ પણ અંધારપટમાં જીવી રહ્યા છે.

જો કે મોટી વાત તો એ છે કે વીજળી વગર ખેડૂતો પોતાના બોરવેલની મોટર શરુ કરી શકતા નથી. એક તરફ છોટા ઉદેપુરમાં વરસાદ ખેંચાયો છે. બીજી તરફ વીજળી વગર ખેડૂતોનો વાવેલો પાક સુકાવાને આરે છે. જો ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તો તેમનો પાક સુકાતો અટકી શકે છે. જો કે MGVCLની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. જેના કારણે ખેડૂતોએ જાતે જ MGVCLનું કામ કરવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુરના જનીયારા ગામે 8 દિવસ ખેતરમાં પડેલા વીજપોલ MGVCLએ ઉભા ન કરતા આખરે ખેડૂતોએ જાતે વીજપોલ ઉભા કર્યા છે. વીજપોલ પડી જતા 8 દિવસથી વીજ પુરવઠો બંધ છે. જો કે હવે વીજપોલ ઊભા કર્યા બાદ ખેડૂતો MGVCL વીજ સપ્લાય ચાલુ કરે તેવી માગ કરી રહ્યા છે. જનીયારા ગામમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે.

(5:39 pm IST)