Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

આખરે મહેસાણા જિલ્લામાં મેઘાએ હેત વરસાવ્યો

રાજ્યમાં એક અઠવાડિયાથી મેઘમહેરને પગલે સંખ્યાબંધ ડેમોમાં નવા પાણીની આવક

ગાંધીનગર તા.03 : રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘસવારી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યનાં કેટલાક જિલ્લાઑમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ આવવાની સંભાવના છે. તેમજ રાજ્યમાં ત્રણ દિવસથી ચાલતી મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. તેમજ વિસનગર હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હાલ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં એક અઠવાડિયાથી ચાલતી મેઘસવારીને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સિઝનના પહેલા વરસાદમાં જ ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે..,, તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31 ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતના ડેમમાં 42 ટકા તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં કુલ મળીને પાણીનો 24 ટકા જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 43.43 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદમાં જ ડેમમાં નવા નીર આવતા વહીવટી તંત્ર અને ખેડૂતોની ચિંતા હળવી બની છે.


 

અત્યારે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કારી છે. આજે સાર્વત્રિક વરસાદ પડશે. તો 4થી 7 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. જેને લઈ વડોદરાથી NDRFની 5 ટીમો પણ અલગ-અલગ જગ્યાએ મોકલાઈ છે. ત્રણ ટીમ રાજકોટ, એક ટીમ સુરત અને એક ઉત્તર ગુજરાત મોકલાઇ છે.

ગુજરાતના મીની ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

(8:07 pm IST)