Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ભગવાન જગન્નાથજીની સુખ શાંતિ પૂર્વક યોજાયેલ રથયાત્રાની સમિક્ષા બાબત પોલીસ વિભાગ સાથે ડીબ્રિફિંગ બેઠક યોજતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી : અમદાવાદ પોલીસ કમિશ્નરની હાજરીમાં કોન્‍સ્ટેબલ સહીત તમામ ટીમો રહી હાજર

નાની નાની મુશ્કેલીઓના સમાધાન થકી જ મોટી સફળતાઓ મેળવી શકાય છે - ગૃહમંત્રી હર્ષ સંઘવી : પોલીસ ટીમને પ્રોત્સાહિત કરવાની સાથે ૪:૩૦ કલાક લાંબી ચાલેલી બેઠકમાં તમામ પસાઓ વિષે ચર્ચા કરવામાં આવી

ગાંધીનગર : યુધ્ધ્માં જ્યારે સેના દ્વારા કોઈ મિશન પુરુ કરવામાં આવે છે ત્યાર બાદ ડીબ્રિફિંગ બેઠક યોજવામાં આવે છે. જેમાં મિશન દરમ્યાન થયેલ સારા-ખરાબ અનુભવો વિષે, આવેલી મુશ્કેલીઓ વિષે અને ભવિષ્યમાં આ પ્રકરના મિશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિષે ખુલીને ચર્ચા કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં યોજાયેલ અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કોઈ યુધ્ધ મિશન કરતા સહેજ પણ સરળ નથી હોતી. શ્રેષ્ઠ આયોજન, આધુનિક ઉપકરણો દ્વારા સમગ્ર રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તથા અન્ય ટુકડીઓના જવાનોની અથાક મહેનતના પરિણામે શાંતિ પૂર્વક આ રથયાત્રા પરિપુર્ણ થવા બદલ તમામ સુરક્ષા એજન્સીઓને પ્રોત્સાહિત કરવા અને સમગ્ર વ્યવસ્થાની સમિક્ષા કરવા ડીબ્રિફિંગ બેઠક પોલીસ કક્મિશ્નર અમદાવાદ અને રાજ્યના ગૃહમંત્રીહર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જગન્નાથ હોલ ખાતે યોજાઈ હતી.

રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ આ રથયાત્રામાં ભાવપૂર્વક જોડાતા હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અમદાવાદની આસ્થાનું પ્રતિક એવી જગન્નાથ યાત્રા સુખ અને શાંતિથી તેમજ કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી. યાત્રા પુર્વે અમદાવાદ પોલીસ દ્વારા માત્ર સુરક્ષા વ્યવસ્થા જ નહી પરંતુ વિવિધ ધર્મના આગેવાનો સાથે અગ્રીમ બેઠકો યોજી આ રથયાત્રાને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનાવી આપી હતી. સુરક્ષા તેમજ વ્યવસ્થાની બાબતમાં મેનેજમેન્ટ એજન્સીઓ માટે કેસ સ્ટડી બની શકે તેવું આયોજન થયું હતું.

સફળતા પૂર્વક રથયાત્રાના આયોજન બાદ ગૃહરાજ્યમંત્રીહર્ષ સંઘવીની અદ્યક્ષતામાં ડીબ્રિફિંગ બેઠક જગન્નાથ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી સંઘવી એ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમનું મનોબળ વધાર્યું હતું. પોલીસ કર્મીઓને પણ આ યાત્રાની વ્યવસ્થા દરમ્યાન થયેલ સારા ખરબ અનુભવોની પણ વાત થઈ હતી. આ દરમ્યાન ગૃહમંત્રી એ જણાવ્યું હતું કે નાની નાની મુશ્કેલીઓનું કુનેહ પૂર્વક સમાધાન કરીને જ મોટા પડાવો પાર કરી શકાય છે. પોલીસ દ્વારા થયેલા કોમી એખલાસ જાળવવાના પ્રાયસોને પણ શ્રી સંઘવી એ બિરદાવ્યા હતા. આ રીતે અનેક રાતોના ઉજાગરા, માઈક્રો પ્લાનીંગ અને ટોપ ટુ બોટમ મેનેજ્મેન્ટના સુંદર અને અદ્વિતીય સંકલન દ્વારા રથયાત્રાના આયોજનને સફળ બનાવી શકાયું હતું તેવું આ બેઠક દ્વારા ફલિત થયું હતું. લગભગ ૪:૩૦ કલાક ચાલેલી આ બેઠક દરમ્યાન પોલીસ કમિશ્નરશ્રી, ગૃહમંત્રીઅને તમામ કર્મચારીઓ એ પોતાના અનુભવો અને વિચારોનું આદન પ્રદાન કર્યું હતું તેમજ આગામી આવા આયોજનો માટે વધુ સારી રીતે કેવું પ્લાનીંગ કરી શકાય તે વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(8:11 pm IST)