Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પાંચ વર્ષ નારી ગૌરવના : ''મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'' લાગુ કરીને ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1000 કરોડની લોન સહાય

સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે હેતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇ : જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ''વ્હાલી દીકરી યોજના'' લાગુ કરી : 181 અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી : રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ૨૫૭૯ બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦ લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવી : રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'' અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી કરાવશે શુભારંભ

ગાંધીનગર : વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે “’વિશ્વ મહિલા દિવસ’’ પૂરતો ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન એ સદીઓની નિત્ય પરમ્પરા રહી છે. એટલે જ  ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે.

ભારતમાં પ્રાચીન સમયમાં નારી-સન્માનની ભાવના જોવા મળતી હતી. આપણા વેદો ઉપનિષદો તેમજ રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાયો છે. તે સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી ઘણી વિદૂષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રીશક્તિઓનું પ્રમાણ છે. મધ્ય યુગમાં  ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી તો આધુનિક યુગમાં પણ સંગીત-લેખન-કલા-રાજનીતિ-અંતરિક્ષ  -રમતજગત-વિજ્ઞાન-ટેક્નોલોજી-બેન્કિંગ-ફાઇનાન્સ-સુરક્ષા સહિતના જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે. નારી તું નારાયણી કહીને તેનું સન્માન કરવામાં આવ્યું છે.

સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે અતિ આવશ્યક છે. નારી ગૌરવ એટલે મહિલાઓનું સન્માન અને આત્મ ગૌરવ. તેમની કામગીરી, ચિંતાઓ, અધિકારો વગેરે કોઈપણ સમાજના વિકાસ માટે આવશ્યક હોય છે. માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ  મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે.

છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.

.7 મી ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યની જનતાની સેવાના ઉમદા ઉદ્દેશ હેતુ શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તથા શ્રી નીતિનભાઇ પટેલે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને ગુજરાતના વિકાસ માટેની શાસનધુરા સંભાળી. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના જનસેવાના પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી. આ આપત્તિઓમાં નીડર લીડરોના નિર્ણાયક નેતૃત્ત્વ હેઠળ સંવેદનશીલતાપૂર્વક, પારદર્શક પ્રગતિશીલતાના દર્શન લોકોએ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ''પાંચ વર્ષ નારી ગૌરવના'' ના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી  ''મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'' લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. આ માટે ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડની લોન સહાય જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારોની ૫૦ હજાર મળીને કુલ ૧ લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે.

સમગ્ર રાજયમાં જ્યારે મહિલાઓની સંખ્યા ૫૦ ટકા જેટલી હોય ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.૩૫૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ૫૦ % મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 % અનામતની જોગવાઇ કરીછે.

જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ''વ્હાલી દીકરી યોજના'' લાગુ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળા માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશીયો જાળવવાની દિશામાંનું  ગુજરાતનું મહત્ત્વનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ બે દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર જેટલા પરિવારોને રૂ. ૨૨ કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે.ધોરણ-૧માં પ્રવેશ લેતી કન્યાને રૂ. ૪,૦૦૦, ધોરણ ૯માં પ્રવેશ લેતી કન્યાને રૂ. ૬,૦૦૦ અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા ૧૮ વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂ. ૧ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ ના જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ માં કુલ રૂ. ૮૭,૧૧૧.૧૦ કરોડની મહિલાલક્ષી જોગવાઈ કરવામાં આવેલ છે.જેન્ડર બજેટ ૨૦૨૧-૨૨ માં ૮૬૭ જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે. આ પૈકી, ૧૮૯ જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી છે, જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.૫૧૧૨.૮૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરી છે જેમાં રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'' અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર આપશે. કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગંગા સ્વરૂપા બહેનોને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષમાં ૭,૬૬,૭૪૦ વિધવા બહેનોને આર્થિક સહાય ચૂકવાઈ છે.વિધવા સહાય યોજનાને સન્માનજનક નામ આપી ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. બે તબક્કામાં સહાયની રકમને વધારવામાં આવી, પહેલા તબક્કામાં સહાયની રકમ રૂપિયા ૭૫૦થી વધારીને રૂ.૧,૦૦૦ અને બીજા તબક્કામાં રૂપિયા ૧,૦૦૦થી વધારીને રૂપિયા ૧,૨૫૦ કરવામાં આવી. આ યોજના અંતર્ગત અગાઉ ૨૧ વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. જેના પરિણામે ૧૦ લાખ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનોને આવરી લેવાઈ છે.

મિલકતો બહેનોના નામે ખરીદાય ત્યારે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાની પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે. જેનાથી મોટી સંખ્યામાં બહેનો મિલકતોની માલિક બની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વ્હાલી દિકરી યોજનાના અમલીકરણ સંદર્ભે LIC સાથે ૨૦ વર્ષનો એમ.ઓ.યુ. કરીને પ્રિમિયમ પેટે રૂ. ૨૨ કરોડની રકમનું પ્રીમિયમ ચેક મુખ્યમંત્રીશ્રીના વરદ્‍ હસ્તે LIC ને આપવામાં આવ્યું હતું.

વિધવા બહેન જો પુન: લગ્ન કરે તો તેને રૂ. ૫૦ હજારની સહાય આપવી. જે માટે વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે રૂ ૩.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા,સગર્ભા માતાની તંદુરસ્તીની ચિંતી કરી છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે જેમાં ૬ માસ થી ૩ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ઘરે લઇ જવા ટેક હોમ રેશન (THR) આહાર આપવામાં આવે છે. ટેક હોમ રેશન (THR) માટે આગામી વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડ જેટલી જોગવાઇ કરવામાં આવી છે.

૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ શાળાએ જતી તેમજ ન જતી તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. દર મહિને સરેરાશ ૧૧ લાખ જેટલી કિશોરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં જેના માટે રૂ. ૨૨૯ કરોડની કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની નવી મોબાઈલ એપ્લીકેશન લોંચીંગ કરવામાં આવી. જેમાં હિંસાથી પીડીત મહિલાઓને જરૂરી માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે. અત્યાર સુધીમાં ૮ લાખ ૨૫ હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી છે. તથા ૧ લાખ ૬૬ હજાર મહિલાઓને રેસ્ક્યુ વાનની સેવા પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ અંગે રૂ.૧૧.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, કુટુંબના આર્થિક વિકાસમાં ફાળો આપી શકે તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ નિગમ ધ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં લાવવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫૭૯  બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦  લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ''પાંચ વર્ષ નારી ગૌરવના'' ની થીમ આધારિત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. ૪થી ઓગષ્ટે નારી ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યના ૧૦ હજાર જેટલી મંડળોની ૧ લાખ બહેનોને કુલ ૧૦૦ કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

જેમાં શહેરી વિસ્તારમાં ૩૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ મળીને કુલ ૧૦૮ જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં ૫૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦૦ આમ કુલ ૧૦ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે ૨૦૦ આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ ૧૪૩ આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.

(5:18 pm IST)