Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

આંકલાવ તાલુકાના ખડોલ ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતાનો છાપો મારતા 15 શખ્સોની ધરપકડ

આણંદ : શ્રાવણ માસ શરૂ થવાને માંડ સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે ખેલીઓ દ્વારા અત્યારથી જ પ્રેક્ટીસ મેચની જેમ ખાનગી રાહે જુગાર રમવાની શરૂઆત કરી દેવાઈ હોવાની ફરિયાદો ઉઠી છે. આણંદ એસઓજી પોલીસે ગઈકાલ સાંજના સુમારે આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામે આવેલ અંબિકા ફાર્મ ખાતે ઓચિંતો છાપો મારીને જુગાર રમી રહેલ ૧૫ શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. 

એસઓજી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ખડોલ(હ) ગામે આવેલ અંબિકા ફાર્મ ખાતે મોટાપાયે જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્શોમાં નાસભાગ મચી ગઈ હતી. 

જો કે પોલીસે કોર્ડન કરીને ઘટના સ્થળેથી ૧૫ શખ્શોને ઝડપા પાડયા હતા. પોલીસે તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે મહેન્દ્રભાઈ બળવંતસિંહ છાસઠીયા (રહે.બોરસદ), મિનેશભાઈ ચંદુભાઈ પટેલ (રહે.ડભાસી), હિરેનભાઈ સુરેશભાઈ સોની (રહે.બોરસદ), સંજય ઉર્ફે લલો હરમાનભાઈ પટેલ (રહે.કાવીઠા), પ્રિતેશભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ (રહે.નડિયાદ), સમસુદ્દીન અત્તાઉદ્દીન મલેક (રહે.કાવીઠા), કમલસિંહ નટવરસિંહ વાઘેલા (રહે.અમદાવાદ), યુવરાજસિંહ માડજી વાઘેલા (રહે.અમદાવાદ), જયવીરસિંહ ભુરાજી વાઘેલા (રહે.આણંદ), કિરેશભાઈ વિનોદભાઈ પટેલ (રહે.બોરસદ), દિપકભાઈ કનુભાઈ પટેલ (રહે.બોરસદ), સમીરભાઈ નરેન્દ્રભાઈ મહંત (રહે.કાવીઠા), ચેતનભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે.ખડોલ), વિનોદભાઈ આશાભાઈ પટેલ (રહે.કાવીઠા) અને ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ (રહે.કાવીઠા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દાવ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા રૂ.૨૦૭૫૦૦ તેમજ ૧૦ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ.૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:19 pm IST)