Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

પાલનપુર :કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વહેલી સવારે મંગળા આરતીમાં જોડાઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે માતાજીના ચુંદડી, શ્રીયંત્ર અને ધાર્મિક પુસ્તકથી મંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું.

 

   ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિર પરિસરમાં બિરાજમાન ગણપતિ દાદાના અને બટુક ભૈરવના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યાં હતાં. તેમણે  રાજયની સુખ, સમૃધ્ધ અને શાંતિ તથા લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ- સમૃધ્ધિ પથરાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયની વિકાસકૂચને આગળ વધારવા માતાજી શક્તિ પ્રદાન કરે તેવી મંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી.  
     આ પ્રસંગે ભૂજ રેન્જ આઇ. જી. જે. આર. મોથલીયા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા સહિત અધિકારીઓ અને માઈભક્તો  ઊપસ્થિત રહ્યાં હતાં.

(6:32 pm IST)