Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

નર્મદા ડેમમાંથી છોડાયેલું પાણી ઓસર્યું : ખેતરોમાં પાણી ઘુસી જતા કેળા ,શેરડી,કપાસ અને શાકભાજી સહિતના પાક નષ્ટ : ખેડૂતોની હાલત કફોડી

પાણીએ ખેડૂતોને કર્યા બેહાલ : સરકાર વહેલીતકે નુકશાનીનો સર્વે કરાવી સહાય આપે તેવી લાગણી

રાજપીપળા: ભારે વરસાદ અને ઉપરવાસની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલુ પાણી હવે ઓસરવા માંડયુ છે. પરંતુ ખેતરોમાં પાણી ઘૂસી જતાં કેળા,શેરડી, કપાસ, પાપીયા,શાકભાજી સહિતના પાક નષ્ટ થયા છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે

  નર્મદા ડેમમાં પાણીની સપાટી વધારવા માટે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની મંજૂરી મળી  છે બીજી બાજુ ડેમના ઉપરવાસમાંથી પણ પાણીની આવક ઓછી થઈ રહી છે.હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 133.88 મીટરે પહોંચી છે,ઉપરવાસમાંથી 3,28,242 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા હતાજ્યારે હાલમાં એ પૈકીના 13 દરવાજા બંધ કરી 10 દરવાજા 0.85 મીટર સુધી ખોલી ગેટ દ્રારા અનેપાવર હાઉસ દ્રારા નદીમાં પાણીની 59,838 ક્યુસેક જ્યારે કેનાલ દ્વારા 17,994 ક્યુસેક મળી નર્મદા ડેમ માંથી કુલ 1,14,954 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

 

અગાઉ નર્મદા ડેમમાં 12 લાખ ક્યુસેક પાણીની આવક સામે સતત 5 દિવસ સુધી 11 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું હતું.જેથી લોકોના ખેતરોમાં 20 ફૂટ સુધી પાણી ભરાયા હતા તો અન્ય ગામોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.હાલની સ્થિતિએ પાણીની જાવક ઘટતા હવે પાણી ઓસર્યા છે.અગાઉ નર્મદા જિલ્લાના આશરે 4000 હેકટર જમીનોમાં કેળા,શેરડી, કપાસ, પાપીયા,શાકભાજી સહિતના પાકો નષ્ટ થયા હતા.હવે નદીના પાણી ઓસરતા પરિસ્થિતિઓ એવી ઉભી થઇ છે કે ખેડૂતો પાસે પાણીમાં મરી ગયેલો પાકને સફાઈ કરવાના પણ રૂપિયા નથી.

આ પાણીને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલો સર્વે કરે અને જાતે નક્કી કરે કે એક ખડુતને કેટલું નુકસાન થયું છે.સરકાર ખેડૂતોને સારૂ રાહત પેકેજ આપે, ટીસ્યુની પૂરે પુરી કિંમત આપે,ડ્રિપલાઇન તણાઈ ગઈ છે જેની પાઈપો આપે અને લોન માફ કરે.હવે જોવું રહ્યું કે જગતના તાતને સરકાર કેવી સહાય આપે છે

(8:39 am IST)