Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગુજરાતના ચાર શહેરોમાં એક જ વર્ષમાં ૭,૬૫૫ લોકોએ આપઘાત કર્યો

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, રોજગારી ના મળવાના કારણે યુવાનો આપઘાત માટે મજબૂર બની રહ્યા છે

નવી દિલ્હી,તા.૩: ગુજરાતમાં એક જ વર્ષમાં ૭,૬૫૫ લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે, ગુજરાતના ચાર શહેરોમાં જ ૨૧૯૨ લોકોએ જીવન ટૂંકાવ્યું છે તો દેશમાં એક વર્ષમાં ૧.૩૯ લાખ લોકો આત્મહત્યા માટે મજબૂર બન્યા છે, દેશમાં એક જ વર્ષમાં ૧૦,૨૮૧ ખેડૂતો-ખેતમજૂરોના આપઘાત થયા છે, તેમ એનસીઆરબીના એકિસડેન્ટલ ડેથના વર્ષ ૨૦૧૯ના રિપોર્ટને ટાંકી ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, રોજગારી ના મળવાના કારણે યુવાનો આપઘાત માટે મજબૂર બની રહ્યા છે.

ભાજપ સરકારની જનવિરોધી, ખેડૂત વિરોધી નીતિ આપઘાત માટે જવાબદાર હોવાનો કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે, રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે, દેશમાં ભાજપ સરકારની ખોટી નીતિના કારણે ૪૫ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે.ખેડૂતોની આવક બમણી ના થઈ પણ આપઘાતની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. ગુજરાતની ભાજપ સરકારમાં રોજ ૨૨ નાગરિકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવવા મજબૂર બન્યા છે. એક વર્ષમાં રાજયમાં ૭,૬૫૫ લોકોએ આત્મહત્યા કરી છે, બેરોજગારીની સમસ્યાના કારણે ૨૧૯ યુવાનો આત્મહત્યા માટે મજબૂર બન્યા છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક જ વર્ષમાં ૨૧૯૨ લોકોએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં અત્યારે ૫૫ હજાર કરતાં વધુ નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો મૃતપ્રાય હાલતમાં છે. સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતના ૫૮ લાખ ખેડૂતો દેવાદાર છે.

(11:40 am IST)