Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પિપાવાવ પોર્ટ પર હવે મોટા જહાજોનું સંચાલન થઇ શકશે : ૭૦૦ કરોડની વિસ્તરણ યોજના મંજુર

પોર્ટની સુવિધાને અપગ્રેડ મળશે, મોટા જહાજોનું પણ સંચાલન કરી શકશે

પિપાવાવ તા.૩ : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ કંપનીની વિસ્તરણ યોજનાને અનુરૂપ રૂ. ૭૦૦ કરોડની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. કથિત રોકાણનો ઉપયોગ પોર્ટની હાલની સુવિધાને અપગ્રેડ કરવા માટે થશે, જેથી પોર્ટ વધારે મોટા જહાજોનું સંચાલન કરી શકશે. પરિણામે પોર્ટની કન્ટેઇનર ક્ષમતા ૧.૬ મિલિયન TEUs થશે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના અમલીકરણ સાથે આગળ જતાં સપ્લાય ચેઇન અને ઇનલેન્ડ લોજિસ્ટિકસ વિશ્વસનિયતા અને ટ્રાન્ઝિટ ટાઇમમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી અપેક્ષા છે. એનાથી આયાત અને નિકાસ માટે કાર્ગોના સંપૂર્ણ વોલ્યુમમાં વધારો થશે. DFC સંપૂર્ણ ૧,૫૩૫ કિલોમીટરમાં કુલ રોકાણમાંથી ૪૦ ટકા રોકાણ ગુજરાતમાં થવાની શકયતા છે, જે સંપૂર્ણ પટ્ટામાં આશરે ૩૭ ટકા એરિયા ધરાવે છે.

આ અંગે ખુશી વ્યકત કરીને એપીએમ ટર્મિનલ્સના મેનેજિંગ ડાયરેકટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, આ રોકાણ સાથે અમારો ઉદ્દેશ અમારા નેટવર્કને મજબૂત કરવાનો અને અમારા તમામ હિતધારકોને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાનું જાળવી રાખવાનો છે. જોકે અમે વિસ્તરણ યોજના માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ પાસેથી કન્સેશન એક્ષ્ટેશનની પુષ્ટિ મળે એની રાહ જોઈ રહ્યાં છીએ. DFC અમલ પછી કાર્ગો વૃદ્ઘિ જોવા મળ્યા બાદ કન્ટેઇનર યાર્ડની ક્ષમતા વધારવામાં આવશે. અમને વૈશ્વિક અર્થતંત્ર અને વ્યવસાય'U'કર્વને અનુસરશે એવી અપેક્ષા છે અને વર્ષ ૨૦૨૧ ના બીજા ત્રિમાસિક ગાળામાં વ્યવસાયો સામાન્ય સ્થિતિ ધારણ કરશે એવી આશા છે.

પોર્ટની કામગીરીમાં એ સુનિશ્યિત કરવું જરૂરી છે કે, સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો ન થાય અને આવશ્યક પુરવઠાની ઉપલબ્ધતા જળવાઈ રહે. પોર્ટ્સ મેરિટાઇમ સપ્લાય ચેઇનનું હાર્દ કે જીવાદોરી છે. લોકડાઉન દરમિયાન પણ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે અમારા કર્મચારીઓ વચ્ચે એક પણ પોઝિટિવ કેસ વિના સફળતાપૂર્વક કામગીરી કરી છે, જે કર્મચારીઓ અને આસપાસના સમુદાયની સારસંભાળનો પુરાવો છે.

(11:41 am IST)